પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૧૯૮

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૮
સાઠીનૂં વાઙ્ગમય.

 કે આપણા લોકોમાં એની નવલકથા તરફ અભિરૂચી ઉત્પન્ન થઈ છે. અમારા ઓળખાણવાળા એક વકીલને ત્યાં પાંચ છ કાયદાનાં પુસ્તકો અને સાહિત્યમાં માત્ર રેનલ્ડનાં મિસ્ટરીઝ્નાં સુશોભિત પૂંઠાવાળાં પુસ્તકો જ ભર્યા છે ! વાંચનથી જ ન અટકતાં એવી નવલકથાઓનાં ભાષાન્તરો પણ થયાં છે. એના ‘લવઝ ઓફ ધી હેરમ’નાં ‘જનાનખાનાની બીબીઓ’ અને ‘અંતઃપુરની રમણીઓ’ એવાં બે ભાષાન્તર છે. ‘લંડન રાજ્ય રહસ્ય,’ ‘લંડન રહસ્ય,’ ‘સીપાઈ બચ્ચાની સજની,’ ‘એગ્નીસ,’ ‘એની બેન,’ વગેરે ઘણી નવલકથાઓ ગુજરાતીમાં પ્રગટ થઈ છે.

કર્નલ મેડોઝ ટેલરની વાર્ત્તાઓને નમુને મી. જહાંગીર તાલેયારખાંએ ‘મુદ્રા અને કુલીન’ અને ‘રનલક્ષ્મી’ નામની નવલકથાઓ લખી છે. આ પુસ્તકોમાં શુદ્ધ ગુજરાતી ભાષા લખવાનો સબળ યત્ન કેટલેક અંશે ફળીભૂત પણ થયો છે. ગુજરાતીનો અભ્યાસી હોય, અને હિંદુઓ જોડે ગાઢ સંબંધમાં આવેલ હોય તો પારસી લેખક કેટલે અંશે શુદ્ધ ગુજરાતી લખી શકે એનો આ વાર્ત્તાઓ ઉપરથી ખ્યાલ આવી શકે છે. એવી જ ઢબની નવલકથાઓ બીજી પણ નીકળી છે. ‘અઢારમી સદીનું હિંદુસ્થાન,’ ને ‘વિક્રમની વીસમી સદી’ વગેરે નવલકથાઓનો સમાવેશ આ વિભાગમાં થાય છે. ‘સુંદર અને વિદ્યાનંદ’ નામની મઝાની નવલકથા ગુજરાતી વાંચકવૃંદને આનંદ આપે છે.

આ સાઠીના પાછલા ભાગમાં ઉદ્‌ભવેલા ગુજરાતી સાહિત્યની જોડે લગીર પણ સંબંધ ધરાવનાર ગૃહસ્થને સ્વ. નારાયણ હેમચંદ્રનું નામ જાણીતું છે. એ સાધુપુરૂષે પોતાની જીંદગીનો મોટો ભાગ બંગાળામાં બંગાળી વિદ્વાન લેખકોના સમાગમમાં વ્યતિત કર્યો હતો. એમની મારફત અને એમના અનુકરણથી ગુજરાતી સાહિત્યપર બંગાળીના સાહિત્યની અસર થઇ છે. આમ એમના વડે બંગાળી સાહિત્યની સ્હેજ ઝાંખી થઈ હતી, તેવામાં વળી બંગભંગને લીધે બંગાળી પ્રજા હિંદુસ્થાનની દરેક પ્રજાના સહવાસમાં આવી; આમ આપણો સહવાસ વધવાથી ગુજરાતી સાહિત્યપર બંગાળી સાહિત્યની કેટલીક સ્થાયી અસર થઈ છે. બંગાળી માસિકોમાં