પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૦૫

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૫
સાહિત્ય (ચાલુ).


જૂદાં પુસ્તકોમાં કેટલાંક વર્ષને આંતરે આંતરે બહાર પડી છે. કુશળતા ભર્યું નવલકથાસ્વરૂપ પ્રથમ ભાગમાં છે. બીજા ભાગમાં હિંદુ ગૃહસંસારનું સાદું યથાસ્થિત અને રસભર્યું ચિત્ર છે. ત્રીજા ભાગમાં દેશી રાજ્ય, રાષ્ટ્રીય ઉદય સાથે તેનો સંબંધ, તેમાં રચાતાં અને ભજવાતાં કાવત્રાં વગેરેનો ભાગ ઘણો અને મૂળ કથાભાગ થોડો અને ચોથામાં અનેક વિષય ઉપરના ગ્રંથકર્ત્તાના મહાન્ વિચારનો સંગ્રહ છે. આ નવલકથા ભાષામાં અને સાહિત્યમાં કેટલું ભારે બળ પ્રવર્ત્તાવે છે તે ‘સરસ્વતિચંદ્ર’ને જે જયઘોષથી ગુજરાતી વાંચનાર વર્ગે વધાવી લીધો છે તે ઉપરથી જણાય છે. સરસ્વતિચંદ્ર, કુમુદસુંદરી, કુસુમસુંદરી, ગુણસુંદરી, વિદ્યાચતુર, બુદ્ધિધન વગેરે પાત્રોનાં ચિત્ર હાલના કાળમાં વિચાર અને ભાવનાના બંધારણમાં ચર્ચાનાં અને ઉદાહરણનાં સાધન થઇ પડ્યાં છે. અનેક અનુકરણોમાં તેની પડેલી છાપ ઉપરથી નવલકથાના સાહિત્યને તેનાથી કેવું પ્રેરકબળ મળ્યું છે તે બતાવી આપે છે. ‘સુંદર અને વિદ્યાનંદ’, ‘વિક્રમની વીસમી સદી’ વગેરેમાં આ પુસ્તકની છાપ દૃષ્ટિગોચર થાય છે. સરસ્વતિચંદ્રનાં પાત્રનાં નામ ઉપરથી કેટલાંક છોકરાંના નામ ધરાધરી પડ્યાં છે. આ પુસ્તકની અસર હજી ચાલુ રહેશે એમ ભાસ થાય છે.

મુસલમાન અને પારસી લેખકો ઇંગ્રેજીપરથી માત્ર ભાષાન્તર કરવાને બદલે નવીન કથા રચવાના પ્રયાસમાં પણ જોડાયા છે એ શુભ ચિન્હ છે. મી. કરીમઅલ્લિ નાનજીઆણીનું 'દુનિયાં દર્પણ' શુદ્ધ ગુજરાતીમાં લખાએલું છે. મુસલમાન ગ્રંથકારો તો કોઈ કાળે પણ શુદ્ધ ગુજરાતીની વિરુદ્ધ હતા જ નહિ. કેટલાક મુસલમાન ગૃહસ્થો દલપતશૈલીની કવિતા લખનાર તરીકે જાણીતા છે. અમે ભુલતા ન હોઈએ તો મ્હેતાજી મી. નનામીયાં એમાંના એક છે. આ ગૃહસ્થોનો ગુજરાતી સાહિત્યવૃદ્ધિ કરવાનો યત્ન આદરણીય છે. પારશી લેખકોમાં શુદ્ધ ગુજરાતીની અગત્ય સમજાઈ છે અને ઘણા પારસી ગૃહસ્થો શુદ્ધ લખવાનો યત્ન કરી રહ્યા છે. નવલકથા તરફ આ લખનારાઓનું ખાસ વલણ પરિણામે ગુજરાતી સાહિત્યને બહુ લાભકારક નિવડશે.