પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૦૬

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૬
સાઠીનૂં વાઙ્ગમય.

આપણા સંસારજીવનમાં કૌતુકમય વિચિત્રતા ઓછી છે. એમ. રા. રમણભાઈ પોતાના એક ભાષણમાં કહે છે એ અમને વિચારતાં ખરૂં લાગે છે. એથી અમને સ્વ. નવલરામની સાથે થયેલ એક વાર્તાપ્રસંગ યાદ આવે છે. નવલકથા અગર નાટક વિષે વાત કરતાં એમણે કહેલું કે આપણામાં નવલકથા અગર નાટકમાં લખવા જેવી પ્રેમકથા અને પ્રેમપ્રસંગ થતા નથી. આપણી રૂઢિને લઈને બાળલગ્નના માઠા ચાલને પરિણામે પ્રેમ એ શું એ સમજવા જેટલી ઉમ્મર પહેલાં તો લાકડે માંકડું જોડાઈ જાય છે. પ્રેમની ભુખ જણાયા પહેલાં તો બાળાવરનો સંસાર આરંભાઈ ચૂક્યો હોય છે. જીંદગી સુધી અને આપણા ધર્મ પ્રમાણે તો જીંદગી પછી પણ સાથી તરીકે જે વ્યક્તિ નિર્માણ થઈ હોય છે તેની પસંદગી જ કરવાની રહેતી નથી. અને પસંદગી કરી શકે એટલું વય જ પ્રાપ્ત થયું હતું નથી. આથી ઉચ્ચ મનોવિકારો અને ભાવનાઓ જન્મ જ પામતી નથી. પ્રેમપ્રસંગ આવે એવા આપણા જનમંડળના રિવાજ જ નથી. માત્ર રેતીના રણમાં લીલાછમ ભાગ જેવું એક જ સ્થળ જણાય છે; અને તે વિધવાવિવાહનું છે. ઉમ્મર યોગ્ય થઈ હોય તો પ્રેમપ્રસંગ મળી શકે અને પ્રેમકેલીઓ એવાં નાયક નાયકાની વર્ણવાય. એમનું કહેવું અમને સર્વશઃ ખરૂં જણાય છે. આપણી પ્રજા ગરીબ છે. તેથી આપણા જીવનમાં અદ્‌ભુતતા ઉદ્‌ભવતી નથી. વળી આપણું જીવન ચોતરફ રૂઢિના બંધનમાં સંકડાયલું હોવાથી કંટાળો ઉત્પન્ન થાય એવું એકસરખું છે. આ બધાં કારણો નવલકથાના સાહિત્યના ઉદ્દ્‌ભવમાં અંતરાયરૂપ થઈ પડે છે. આપણા સંસારજીવનમાં જૂદી જૂદી ભાવનાઓ ઉલ્લાસ પામશે અને વિસ્તાર પામશે ત્યારે હૃદયના વિકાસની સાથે ગૌણ રૂપે પણ અસ્તિત્વમાં રહેલી ખાસ શક્તિઓ પણ ખીલી નીકળશે.

(૪) વિનોદ, બોધ, પરિહાસ, તદ્યા હાસ્યરસ ( હ્યુમર):—

વિનોદ ઉપજાવે એવી વાતો, રમુજી ટુચકા, હાજરજવાબી, અને શિખામણનાં વાક્યો વગેરેની ઘણી ચોપડીઓ આ સાઠીમાં પ્રગટ થઈ છે. આવી રચનામાં સુચિન્હ એ છે કે તેમાં અનીતિનો અંશ જણાતો નથી.