પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૪

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સાઠીની સાક્ષર પ્રવૃત્તિ.

મહેતાજી ઘાંટો કાઢીને નામ દઈને હારમાંથી છોકરાને બોલાવતા કે તે તે છોકરા હાર બહાર નીકળી હારની સામે ઉભા રહીને આંક બોલાવતા. આ પછી મહેતાજી લેખાં, કોયડા, અને જોડણી પુછતા. કાગળ લખવાની, ખત લખવાની, હુંડી લખવાની વગેરે રીતો મોઢે બોલાવતા. આળસુ દેખાતા અગર વાતચીત કરતા છોકરા તરફ મહેતાજી નામ દઈને દડી ફેંકતા કે બિચારા છોકરાના મોતીઆ મરી જતા. દડી લઈને મહેતાજીને આપવા જવી પડતી, અને મહેતાજી પોતાના તે વખતના મિજાજ પ્રમાણે વધતી ઓછી સજા કરતા. નિશાળનું કામ મંદુ ચાલતું હોય તો મહેતાજી સોટી લઈને આખી નિશાળમાં ફરી વળી પાંચ પચ્ચીશ છોકરાઓને શિક્ષા કરી દેતા કે તરત નિશાળનું કામ તેજ થઈ જતું. શરીર–શિક્ષામાં પાટલા ખડકતા, અંગુઠા પકડાવતા તેમજ સોટીઓ અને ચાબકા પડતા. જબરા ગુન્હેગારોને તો વખતે ખુરસી કરાવતા અને ગોળ લાકડી (ગુડાલાકડી) નામની સખ્ત સજા એ થતી. બારસ, અમાંસ, પૂનમ વગેરે દિવસે છુટ્ટી મળતી. કોઈ મોટો વરઘોડો જતો હોય ત્યારે બધા છોકરા હારબંધ ઉભા રહીને 'છુટ્ટી બાઈ છોડદો, રૂપૈયા ઉછાળદો’ એ પ્રમાણે ઘાંટા કાઢતા. આવી છુટ્ટી ઘણીવાર મળતી અને છુટ્ટી અપાવતાં બંદીવાનના બંધ છોડાવ્યા જેટલું પૂણ્ય થતું એમ ઘણા માનતા. છુટ્ટી મળતાં છોકરાઓની મુખમુદ્રા ઉપર આનંદ છવાઈ રહેતો. શોર બકેાર અને માથાઝીકના પ્રમાણમાં હાલના મહેતાજીને ઘણું થોડું મળતું. દરેક છોકરો દાણા પૈ પૈસો વગેરે લાવે; કેરીગાળામાં કેરી, રાયણ વગેરે ફળફળાદિ લાવે; કણક એટલે દાણ લાવે, ચોમાસામાં છોકરા દીઠ અક્કેકું નળીઉં ધરાધરી લઈ જતા જેથી મહેતાજીને પોતાના છાપરા સારૂ નેવાં વેચાતાં લેવાં ન પડે ! છોકરાઓને ઘેર નાત પ્રસંગે મહેતાજીને સહકુટુંબ જમવાનું ઠરતું. નિશાળે બેસતી વખત, આંક મંડાવતી વખત, નામું વગેરે શરૂ કરતી વખત અને નિશાળેથી ઉઠતાં મહેતાજીને રૂપીઓ મળતો. બારસે બારસે મહેતાજી છોકરાનું ટોળું લઈને આંક બોલાવતા બોલાવતાં બારસ માગવા જતા. તે વખત છોકરાઓએ પોતાને ઘેર પાટી ઉપર લખ્યું હોય તે જોતા, વખતે માબાપને ખૂશ રાખવાને બે પાંચડા પૂછતા અને બોલતા બંધ પડ્યા હોય ત્યાંથી ફરી આંકની ધૂન મચાવતા બીજે જતા.