પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૪૨

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૨
સાઠીનૂં વાઙ્ગમય.

 જૂદે જુદે નામે પ્રગટ થયાં છે. ગુજરાત વર્નાક્યુલર સોસાટીએ ખાસ આવા સમાજના ઉપયોગના ઘણા નિબંધો રચાવ્યા છે. નાનાં નાનાં ઉપયોગી પુસ્તકો પ્રગટ કરવા તરફ જ એ સોસાઈટીની શરૂવાતમાં વૃત્તિ હતી એ આપણે સ્વ. ફોર્બ્સના રિપોર્ટ પરથી જાણીએ છઈએ. જમણવાર, કન્યાવિક્રય બાળવૈધવ્ય, પેન્શન ફંડ, સ્ત્રીકેળવણી, સ્ત્રીનીતિ, સ્ત્રીઓનું કામ, સ્વદેશહિત, ગુજરાતના ભિખારીઓ વગેરે ઘણી ઘણી બાબતો ઉપર નાનાં પુસ્તકો લખાયાં છે. રા. રેવાશંકર અંબારામે ‘નીતિ સિદ્ધાંત્ત’ નામે ગ્રંથ મરાઠીમાંથી ગુજરાતીમાં આણ્યો છે. લોકોમાં પ્રચલિત વ્હેમના વિદારણ સારૂ પણ ઘણું લખાયું છે. દલપતરામનો ‘ભુત નિબંધ’, ‘બાળ વિવાહ નિબંધ,’ ‘દૈવજ્ઞદર્પણ,’ અને ‘તાર્કીક બોધ’ તેમ જ રા. બા. ખુશાલરાયનો ‘ડાકણ નિબંધ’ અને સાંકળેશ્વર જોશીના ‘કિમિયાગર ચરિત્રો’ અને ‘સોની વિષે નિબંધ’, વગેરે વાંચવા લાયક નિબંધો સરલ ભાષામાં લખાયા છે. કરશનદાસનું ‘સંસાર સુખ’ મુંબાઈગરી ભાષામાં લખાયલું વાંચવા યોગ્ય પુસ્તક છે. સ્વ. નારાયણ હેમચંદ્રે આ વિષયનાં ઘણાં નાનાં ને મઝાનાં પુસ્તકો લખ્યાં છે. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના બંગાળીપરથી લખાયલા વિષ્ણુપરસરામ શાસ્ત્રીના મરાઠી ‘વિધવા વિવાહ’નું ભાષાન્તર રા. બા. લાલશંકરે કર્યું છે. સ્વ. ફોર્બ્સ સાહેબને દેશી સ્ત્રીઓની વાતચીત અને રીત રસમનો ખ્યાલ આપવા સારૂ લખાએલી ‘સ્ત્રી–સંભાષણ’ નામની નાની ચોપડીને સારૂ અમે અગાઉ કહી ગયા છઈએ. મનઃસુખરામનો ‘અસ્તોદય’ તેમ જ ‘અવસ્તા જમાનાની ઘરસંસારી બાબત,’ ‘ભિક્ષુક વિષે નિબંધ,’ ‘બુદ્ધિપ્રકાશક નિબંધ,’ ‘ધર્મનીતિ તથા સંસાર.’ અને કરશનદાસની ‘નિબંધમાળા’ વગેરે પુસ્તકો સારાં લખાયાં હતાં.

સ્માઈલના સુંદર અને સુબોધકારક ગ્રંથોનાં ઇંગ્રેજીમાંથી ભાષાન્તરો થયાં છે. ‘મીઠી મીઠી વાતો’ લખનાર રા. ગણપતરામ ત્રવાડી ગુજરાતી સાહિત્યમાં જાણીતા છે. એ ગૃહસ્થે સ્માઈલના સેલ્ફહેલ્પ્ નામના ગ્રંથનું ‘જાત મહેનત’ નામથી સારું ભાષાન્તર કર્યું છે. રા. ગણપતરામની