પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૪૭

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૭
વ્યવહાર અને ધર્મશાસ્ત્ર.

 ૬ વ્યવહાર અને ધર્મશાસ્ત્ર:—

अ. અંગ્રેજી કાયદા:—

ઇંગ્રેજી ભાષામાં ધર્મશાસ્ત્ર એટલે કાયદાનાં ઘણાં પુસ્તકો પ્રસિદ્ધ થાય છે. એ દેશમાં ઘણા કાયદા આપણા દેશમાં ચાલતા કાયદાની પેઠે કલમવાર બનાવેલા નથી. તેથી એ વિષયનાં નાનાં અગર મોટાં વિવેચનવાળાં પુસ્તકો પ્રગટ થાય છે. સરકાર તરફથી મંજૂર થયેલા કાયદા કાનુનોનાં ભાષાન્તરો ગુજરાતીમાં થયાં છે. દિવાની કામ ચલાવવાની રીતનો કાયદો, પુરાવાનો કાયદો, મુદતનો કાયદો, કરારનો કાયદો, ફોજદારી અને ફોજદારી કામ ચલાવવાની રીતનો કાયદો એ પ્રમાણે ઘણાં ભાષાન્તરો ગુજરાતીમાં થયાં છે. સદર અદાલત અને હાઇકોર્ટોએ ચુકવેલા ફેંસલાઓનાં ભાષાંતરનાં પણ કેટલાંક પુસ્તકો બહાર પડ્યાં છે.

સ્વ. કેશવલાલ મોતીલાલ વકીલ અને સ્વ. ભોગીલાલ વકીલના ‘અપકૃત્ય’ ઉપર સારાં પુસ્તકો પ્રગટ થયાં છે. મી. તાલેયારખાં અને રા. પ્રાણશંકરે પોલીસને જરૂરનાં પુસ્તકો લખ્યાં છે.

સ્વ. ગીરધરલાલ કોઠારીએ ‘એચીસનનાં તહનામાં માંથી ગુજરાતને લગતા ભાગનું ભાષાન્તર ઘણા વર્ષ ઉપર કર્યું હતું. આવી ઘણી ખરી ચોપડીઓ વકાલત કરનારા અગર સરકારના ‘ઓરીએંટલ ટ્રાન્સ્લેટર’ ની તરફથી પ્રસિદ્ધ થઈ છે.

ब હિંદુધર્મશાસ્ત્ર.

અમદાવાદના વકીલ સાંકળચંદ રતનચંદનું ‘હિંદુધર્મશાસ્ત્ર,’ ગીરધરલાલ દયાળદાસનો ‘હિંદુધર્મશાસ્ત્ર સંગ્રહ,’ છોટાલાલ ભટ્ટનાં ‘વ્યવહાર મયુખ’ અને સ્વ. ભોળાનાથ સારાભાઈની ‘મિતાક્ષર’ આ જાતના ગ્રંથોમાં મુખ્ય છે. ‘પારાશર સ્મૃતિ’ અને ‘મનુસ્મૃતિ અથવા માનવ ધર્મશાસ્ત્ર’નાં સારાં ભાષાન્તરો થયાં છે એ કહી ગયા છીએ. વકીલોનો વર્ગ અંગ્રેજી જાણનારો થવાથી હવે આવાં પુસ્તકો નીકળવાનો સંભવ ઓછો છે.