પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૪૮

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૮
સાઠીનૂં વાઙ્ગમય.

 क મુસલમાની.

સન ૧૮૭૧ માં મુસલમાની સરેહ નામનું પુસ્તક દિ. બા. મણિભાઇ જશભાઇએ પ્રગટ કર્યું હતું. ત્યાર બાદ બીજાં એક બે એ વિષયનાં પુસ્તકો બહાર પડ્યાં છે. માત્ર ગુજરાતી જ જાણનારા વકીલોને અભાવે આવાં પુસ્તક પ્રગટ થવાનો હવે સંભવ જણાતો નથી.

ड દેશી રાજ્ય.

ભાવનગર, પાલણપુર, રાધનપુર વગેરે રાજ્યોએ પોતાનાં રાજ્યનાં નાનાં નાનાં કાયદાનાં પુસ્તકો છપાવ્યાં છે. શ્રીમન્ત ગાયકવાડ સરકારે પોતાના રાજ્ય સારૂ કાયદા બનાવવા માટે ખાસ મંડળ નીમ્યું હતું. સહેજ ફેરફારવાળા છતાં આ કાયદાઓ બહુધા અંગ્રેજી કાયદાના અનુસરણ રૂપે જ છે. એ કાયદાઓમાં એતદ્દેશિય ભાષામાં નવી પરિભાષા ઉપજાવી કાઢવાનો સારો યત્ન કર્યો છે; તેમજ ઇંગ્રેજી કાયદા કરતાં આપણી પ્રજાને વધારે અનુકુળ થાય એવા સ્હેજ ફેરફાર પણ કર્યો છે. ઉક્ત રાજ્યો સિવાય બીજાં કોઈની તરફથી પોતાના રાજ્યના કાયદાનાં પુસ્તકો પ્રગટ થવાનું જાણવામાં નથી.

૭ પ્રકૃતિવિજ્ઞાન કિંવા ભૌતિક વિદ્યા:—

આ સાઠીની શરૂવાતમાં પાંડુરંગ ગાનોબાએ ‘સૃષ્ટિજન્ય ઇશ્વર જ્ઞાન’ નામનો અંગ્રેજી ઉપરથી સારો ગ્રંથ તૈયાર કર્યો હતો. આ ગ્રંથમાં જરૂરનાં થોડાં થોડાં ચિત્રો પણ આપવામાં આવ્યાં હતાં. ત્યાર બાદ નિશાળો અને ટ્રેનિંગકોલેજ સારૂ કેળવણીખાતા તરફથી રા. સા. મહીપતરામે ‘ભૂસ્તર વિદ્યાનાં મૂળતત્વો’, ‘પદાર્થ વિજ્ઞાન’ વગેરે નાની નાની ચોપડીઓ ઇંગ્રેજી મૂળ ઉપરથી તૈયાર કરી હતી. તેમની ‘ભૂસ્તર’ સ્વ. ડા. થીઓડોર કુકની નાની ચોપડીનું ભાષાન્તર હતું. ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીએ ‘સરળ પદાર્થ વિજ્ઞાન’ નામની નાની ચોપડી આ લખનાર પાસે લખાવી છે. આ પુસ્તક કાઠીઆવાડ ટ્રેનિંગકોલેજમાં ઘણાં વર્ષ સુધી શિખવાયું છે. આ લખનારનો ‘વિદ્યાર્થીનો મિત્ર’ ભૂસ્તર વિદ્યા, રસાયનશાસ્ત્ર અને સાર્વજનિક આરોગ્યનું નાનું પુસ્તક છે. ઘણાં વર્ષ પૂર્વે રા. બા. લાલશંકરે પેજના ઇંગ્રેજી ગ્રંથને આધારે ‘ભૂતળવિદ્યા’ નામનું પુસ્તક પ્રગટ કર્યું હતું.