પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૩૧૩

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૩
સામાયિક પત્રો અને છાપખાનાં.

સુરતમાં “ગુજરાત મિત્રે” તેના અધિપતિ મી. દીનશાની કલમથી લખાતું હતું ત્યારે સારી નામના કાઢી હતી. ત્યાર પછી સ્થાનિક સ્વરાજ્ય મળ્યાના અવસરમાં એક 'પ્રજાપોકાર' નામનું પત્ર નીકળ્યું હતું. નવું નીકળેલું 'ગુજરાત દર્પણ' સ્વ. હ. હ. ધ્રુવનું પત્ર હતું, અને એક ખબરપત્રિને નામે એમણે રાખ્યું હતું. સ્થાનિક સ્વરાજની ચળવળ વખતે 'દર્પણ' ઠીક ઘુમતું હતું. મ્યુનિસિપલ સુધારા વગેરે બાબતોનાં એનાં લખાણ મનન કરવા યોગ્ય આવતાં. 'દર્પણ' દ્વારા સ્વ. હ. હ. ધ્રુવે કરેલી સુરતની સેવાની વાહવાહ થતી હતી. 'પ્રજાપોકાર' બંધ થયું હતું અને 'ગુજરાત દર્પણ' અને 'ગુજરાત મિત્ર’ જોડાઈ ગયાં હતાં.

આ સાઠીના પાછલા ભાગમાં અમદાવાદમાં 'ગુજરાતી પંચ' અને 'પ્રજાબંધુ' નામનાં બે વર્ત્તમાનપત્ર પ્રકટ થયાં છે. બન્ને મારી તારી કર્યા વગર સંસાર સુધારો અને રાજકિય વિષયોની ઠાવકી ચર્ચા કરી દેશસેવા બજાવે છે. તેમજ ખબરો–ભેટો વગેરે આપીને પોતાના ગ્રાહકોને પણ સંતોષ આપે છે.

'દેશીમિત્ર' નામનું એક રમુજી વર્તમાનપત્ર સામાન્ય લોકની રમુજને માટે જન્મ્યું હતું. એના વિષયો તેમ જ કવિતા એ વર્ગના લોકોને ઠીક આનંદ આપતી. અશ્લીલતાવાળી મજાકો અને એવાં જ જોડકણાં એ વર્ગના સુરતવાસીઓના મોમાંથી 'ખુબ કીઢીછ !' 'ખટમ કઢીછ' એવા ઉદ્‌ગારો કઢાવતાં. એના અધિપતિના બનાવેલા 'રાનીના બાગ’ ના ગરબા ઉપર તો અમુક વર્ગના લોક 'ફીદા' જ થઈ ગયા હતા. ઠેકાણે ઠેકાણે

“રાની વિક્ટોરિયાનો બાગ, ટાંટો જેવાનો છે લાગ.”
“પુરવે આવી ઇસ્પીટાલ, પશ્ચિમ તાપીનો કીનાર,”

આવી આવી લીંટીઓ કર્ણજ્વર પેદા કરતી હતી !

'સુરત અખબાર' 'સુરત સોદાગર મનોદય' તેમજ ખ્રિસ્તિ ધર્મ મંડળ તરફથી નીકળતું 'સત્યોદય વગેરે ઘણાં વર્તમાન પત્રો અને માસિકો સુરતમાં પેદા થયાં છે.