આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
98
સત્યની શોધમાં
 

“તારે સારુ કશીક જગ્યા કરવા હું લીલુભાઈ શેઠને કહીશ.”

“ઓહો લીલુભાઈ શેઠ ! એ તો વિનોદિનીબહેનના બાપા કે ?”

“હા. તું વિનોદબહેનને ઓળખે છે ?”

“હા. બે વાર મળ્યો છું.”

“એ ને એના બાપા અમારા દરિદ્ર-ઉદ્ધાર-સંઘના ને વિશ્વબંધુત્વ-સમાજના સભાસદો છે.”

“દરિદ્ર-ઉદ્ધાર-સંઘ શું આપ ચલાવો છો ?”

“હા, હું એનો મંત્રી છું. ઓ પેલી ભુવનેશ્વરની હિલ પર અમારા સંઘનું સભાગૃહ રહ્યું. અમારા ‘વિશ્વબંધુત્વ-સમાજ’ની સંસ્થા તો દેશવ્યાપી છે. એની બસો શાખાઓ છે. તમામ ધર્મોની એકસંપી માટે અમે મથીએ છીએ. નવી બાંધણીનાં એવાં પ્રાર્થનામંદિરો ઊભાં કરીએ છીએ કે જેમાં તમામ પંથોનાં પૂજાવિધિ થઈ શકે. અમારાં નવાં મંદિરો તેં નથી દેખ્યાં કે ? આલેશાન ! લાખો રૂપિયાનાં શિલ્પ, સ્થાપત્ય, કોતરકામ, પ્રતિમાઓ, લાઇટો, ધૂપો, પુષ્પો, પુસ્તકાલયો ઈત્યાદિ અમે એમાં વસાવેલ છે. અમે પહાડો પર અનેક મંદિરો ઊભાં કર્યાં છે. અમે યાત્રાના સંઘો કાઢીએ છીએ. શુદ્ધ વાતાવરણ, શુદ્ધ રજકણો, રેશમી વસ્ત્રો, સર્વ ધર્મની પ્રાર્થનાઓ, એ બધા અમારા પ્રયત્નો છે. અમારા ભુવનેશ્વર હિલ પરના પ્રાર્થનામંદિરમાં તું આવીશ ?”

“વિનોદિનીબહેન ત્યાં આવે છે ?”

“હા જ તો. લક્ષ્મીનગરના ઘણાખરા શેઠિયા અમારા જ સભ્યો છે. દર રવિવારે તેઓ ત્યાં આવે છે.”

“પણ મને ગરીબને ત્યાં આવવા દેશો ?”

“હા. મંદિર તો નથી ગરીબનું કે નથી શ્રીમંતનું, બેટા ! એ તો પ્રભુનું છે. તું આવજે.”

જીવનની નવી ઝલક અનુભવતો, તપેલા લલાટ પર જાણે કે સંધ્યાની સાગર-લહરીઓના શીતળ છંટકાવ પામતો શામળ બહાર નીકળ્યો. ભુવનેશ્વર હિલને પ્રાર્થનામંદિરે એણે નામ નોંધાવ્યું.