આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જ્વાળામુખી
131
 

જાણ હોય તો આપ આપણા પવિત્ર ધર્મસમાજમાં એ સડાને ચાલવા જ કેમ દો !”

ધર્મપાલના મોં પર ભયની લાગણી પથરાઈ ગઈ હતી. એણે મૃદુ કંઠે કહ્યું : “ભાઈ ! બાપુ ! જગતમાં અનેક પાપીઓ ને દુર્જનો પડ્યા છે. હું શી રીતે એ તમામને જાણી શકું ?”

“પણ – પણ ગુરુજી ! આ તો જગતમાં નહીં, આપણા તીર્થધામરૂપ સમાજમાં જ પાપીઓ છુપાયા છે. આપે એની તપાસ કરીને એને કાઢવા તો પડશે ને ?”

ધર્મપાલજીએ ઊઠીને પાસેના ઓરડા તરફનું જે દ્વાર હતું તેને બંધ કર્યું. પછી પોતાની ખુરશી શામળની નજીક ઘસડીને ધીરેથી પૂછ્યું : “કોની વાત કરે છે તું ? કહે હવે.”

“ખુદ લીલુભાઈ શેઠની.”

“લીલુભાઈ !”

“જી હા.”

“એણે શું કર્યું છે ?”

“ભયંકર પાપ આચર્યું છે. ઓહોહો ધર્મપાલજી, એણે બાળમજૂરી-પ્રતિબંધક ખરડાને તોડાવી પાડ્યો. આપને તો સાચે જ એ ઘોર પાપની ખબર નહીં હોય.”

“અરે વાહ, મને ખબર છે કે લીલુભાઈ એ ખરડાના કટ્ટર વિરોધી હતા, ને એણે એ વિરોધ ઉઘાડે છોગ કરેલો. પ્રામાણિકપણે પોતાની જે માન્યતાઓ હોય, એ મુજબ આચરવાનો હક તો જેમ સહુને છે તેમ તેનેય છે, કેમ નહીં ?”

“નહીં નહીં, સાહેબ, લીલુભાઈ શેઠે તો રુશવતો આપીને ખાસ પ્રતિનિધિ ચૂંટાવી અને છેક નવીનાબાદની વડી ધારાસભામાં આ ખરડાનું નિકંદન કાઢવા મોકલેલો.”

“વારુ ! એમાં શું ! લીલુભાઈને તો રાજકારણમાં રસ છે; ને એમાં ? એ પોતાની લાગવગ પાથરે તે તો દેખીતું છે. એમાં દોષ શો ?