આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
144
સત્યની શોધમાં
 

નથી ઉરાડી રહ્યો ને ?

ત્યાં તો તીક્ષ્ણ કટારી સરખો બીજો વિચાર એના હૃદયને વીંધી રહ્યો : નહીં નહીં, મારી ભૂલ નથી. લાખો લોકો ભૂખ્યાં બળ્યાં દુખ્યાં ગૂંગળાઈ રહેલ છે ને એનું મૂળ કારણ મારે હાથ આવ્યું છે. હું એ કંગાલોની ચોગમ ચાલી રહેલ આ કાવતરા સામે ઊભો રહી. હવે મારાથી પાછા વળાય નહીં.

શી રીતે શરૂઆત કરું ? પ્રથમ તો લીલુભાઈ શેઠની પાસે જાઉં, એનો જવાબ માગું, એને પશ્ચાત્તાપની – શુદ્ધીકરણની તક આપું.

પણ વિનોદબહેન – એને કેવું લાગશે ? પોતાના સગા બાપ સામે ઊભનાર જે હું – તેને માટે મારી એ જીવન-દેવી શો ખ્યાલ બાંધશે ? શામળના દિલમાં બિછાવેલું એ સુંવાળું આસન – એ ગાલીચો જાણે ખાલી થવા લાગ્યો.

નહીં, નહીં, એમ શા સારુ ? મારી વિનોદને હું મારા વિશ્વાસમાં જ કાં ન લઈ લઉં ? આ પાપાચારોની સામે વિનોદ મારે ડાબે પડખે ઊભીને મારી વીરાંગના બની કાં ન ઝૂઝે ? જેણે તેજુને ઠેકાણે પાડી, દિત્તુ શેઠને રસ્તે આણવાનું વચન દીધું, મારા જીવનમાં જે આટલો રસ લઈ રહેલ છે, એ પવિત્રતા અને પ્રેમની, એ આત્મસમર્પણની ને શક્તિની દેવી વિનોદ પોતાના પિતાની દુષ્ટતા સામે પણ કેમ ન ઊઠે ? ગમે તેમ, પણ મારી ફરજ છે કે એના કટુંબ વિશેના મામલાથી એને વાકેફ કરવી.

તેજુએ જઈને ઉપલે માળે ખબર આપ્યા. શામળ ઉપર ગયો. વિનોદ દખણાદી બારીએ ખસની ટટ્ટી સોંસરવા ગળાતા વાયરાની ગલીપચી માણતી બેઠી હતી.

“શામળજી ?” એણે સહેજ આકુળ બની કહ્યું, “બપોર પછીના સમયમાં આંહીં મને મળવા આવવું તમારે માટે સલામતીભર્યું નથી.”

“જી, પણ હું મારે માટે નથી આવ્યો, બીજા અત્યંત તાકીદની કામે આવેલો છું.”

“શું છે ?”