આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચોર છે ! ચોર છે !
167
 

તરફ નિહાળી રહી, “તમે કેટલા બધા ભલા છો !”

“આહા !” શામળે નિઃશ્વાસ મૂક્યો. વિનોદિનીએ પણ એને એ જ બોલ કહ્યો હતો. હજુ એ જૂના ભણકારા નહોતા શમ્યા. ભાંગીને ચૂરો થઈ ગયેલી એ મૂર્તિના કણેકણ જાણે ઊડી ઊડીને ભેળા થતા હતા. “જો તેજુ, મેં તો ગાંઠ વાળી છે કે હવે મારે મારા મનના દ્વેષને જરીકે ભેળાવા દીધા વગર ચોખ્ખી લડત કરવી.”

“શું કરશો ?”

“પ્રથમ તો હું વિશ્વબંધુસમાજના સંઘ સમસ્તની પાસે આ હકીકત મૂકીશ, એ બધાં જો દાદ નહીં આપે, તો હું શહેરની સમસ્ત વસ્તીને ચેતાવીશ.”

“પણ કેવી રીતે ?”

“એક સભા બોલાવીને; આમ જો, આ મેં લખી રાખ્યું છે.”

શામળ ગજવામાંથી કાગળનું ચોથિયું કાઢ્યું. એના ઉપર પોતે પેન્સિલથી મોટા, નાના, મધ્યમ એવા અક્ષરો છાપાની માફક ગોઠવીને લખ્યું હતું તે છટાથી, શબ્દો પર પ્રમાણસર ભાર દઈને જાણે એક તેજુને સંભળાવવું એ હજારોને સંભળાવવા બરાબર હોય એ ભાવે વાંચી બતાવ્યું :

વિશ્વબંધુ-સમાજના ભાઈઓ, બહેનો !

આપણા સંપ્રદાયમાં સડો છે. કમિટીના મેમ્બરોએ શહેરના રાજવહીવટમાં લાંચો દીધેલ છે. લોકોને એ બધા લૂંટે છે. કમિટીએ મારું કહેવું સાંભળ્યા વિના મને મંદિરમાંથી કાઢી મૂક્યો છે, એટલે હું આપણા સંઘ સમસ્તની પાસે દાદ લેવા આવેલ છું. આવતા બુધવારની સાંજે આઠ વાગ્યે હું મંદિરની સામેના મેદાનમાં સભાની સમક્ષ બધું કહેવાનો છું. સર્વ ત્યાં આવશો.

લિ. શામળજી રૂપજી
 

“બરાબર છે ને ?”

“બહુ સરસ છે. પણ એનું શું કરશો ?”