આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
172
સત્યની શોધમાં
 

એક આદમી એની પછવાડે દોડતો હતો. પણ એના પગમાં જ્યારે કૌવત ન રહ્યું ત્યારે એણે અવાજ દીધો : “એ ભાઈ ! એ શામળભાઈ ! એક વાત કહેવી છે.”

શામળ ને તેજુ ઊભાં રહ્યાં. લંગડા આદમીએ આવીને પ્રથમ તો શામળની પીઠ થાબડીને હાંફતાં હાંફતાં કહ્યું: “શાબાશ, જુવાન ! રંગ રાખ્યો.”

થોડી વાર શામળ આ માણસનો ઈરાદો કળવા સારુ થંભી રહ્યો. લંગડાએ કહ્યું : “પણ બુધવારે તમે ભાષણ દેવાની રજા લીધી છે ?”

“કોની ?”

“રાજની !”

“ના.” આવી પરવાનગી માગવી જોઈએ તેની ખબર શામળને પહેલી જ વાર પડી.

“મારા-તમારા જેવાને બોલવા નહીં આપે. પોલીસચકલે જઈને મંજૂરી માગો. ઘણું કરીને તો નહીં જ મળે.”

“ત્યારે તો –” શામળ ગમ ખાઈ ગયો. પોતાની આબરૂ પોલીસમાં કેવી હતી તે એને માલૂમ હતું.

“જો પરવાનગી ન મળે, તો તમે તમારું સરનામું આપો. ત્યાંથી હું તમને તેડી જઈશ એક ઠેકાણે. એક વકીલ પાસે. એ કંઈક રસ્તો બતાવશે.”

શામળ ત્યાંથી બારોબાર પોલીસ-ઓફિસે પહોંચ્યો. તેજુ ઓસરીમાં ઊભી રહી, પોતે એકલો અંદર પેઠો.

થાંભલા પાસે સંકોડાઈને તેજુ ઊભી છે. પરસાળમાં કોઈક કદાવર તો કોઈ ત્રાંસી નજરે જ જોવાની ટેવવાળા, કોઈ વિકરાળ દાઢીમૂછોવાળા તો કોઈ ભલી છતાં લાઈલાજ મુખમુદ્રાવાળા પોલીસો આંટા મારે છે. કંઈ કંઈ બરાડા પાડે છે. અપશબ્દોનો તો આખો કોષ થઈ શકે એવી સામગ્રી કાને પડે છે. તહોમતદારો ને શકદારો, મવાલીઓ ને ખેડૂતો, મજૂરો ને ફકીરો વગેરેની હારો બેઠી છે.