આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સમજાયું
183
 

“પેસ્તનજી શેઠે કહ્યું. એને સુધરાઈના પ્રમુખે – પેલા હરિવલ્લભ શેઠે વડી ધારાસભામાં મોકલ્યા’તા ને, તેણે કહ્યું.”

“એને ક્યાંથી ખબર ?”

“ખબર ન રાખે ? ફોગટનું પ્રમુખપદું કરતા હશે કે ?” પછી ચોતરફ જોઈને ભીમાભાઈએ ધીરે અવાજે કહ્યું : “શામળભાઈ, ભાષણ કરશો મા. સમજુ હો તો સાનમાં સમજી જજો. સભા-બભાની વાત છોડી દેજો.”

“કાં !”

“તમે બુધવારની સાંજ જોવા જ નહીં પામો.”

“કોણ હું ? કેમ ? શું કરશે ?”

“એ કાંઈ હું ન જાણું. કાં તો તમારું મડદું નદીમાં તરતું હશે, ને કાં તમારું માથું કોઈ ગટરમાં રખડતું હશે.”

“અરરર ! શા સારુ ? કોણ કરશે ?”

“જેઓને ગોટા ચલાવવા હોય તેઓને પોતાની સલામતીની તો ફિકર હોય જ ને ? તમે કાંઈ ઓછા વેરી નથી કર્યા આ શહેરમાં !”

“પણ હું એવું કોઈનું કશું ક્યાં બોલવાનો જ છું ?”

“તમે શું બોલશો ને શું બાકી રાખશો એ વાતનો વીમો કાંઈ એ લોકો ખેડે કે ? કહું છું કે આ બધું મૂકીને કોઈક ધંધો શોધી લો, ને પછી એકાદ છોકરીને પરણી લો. ઘેરે એક છોકરું થશે ને શામળભાઈ, એટલે તમને પણ ખબર પડશે કે દુનિયા શી ચીજ છે !”

“ના, ના, ના ! ભાષણ તો હું કરીશ જ.”

“ઠીક, તકદીર જેવાં !” એમ બબડતો ભીમોભાઈ ચાલ્યો ગયો.

સાંજ પડી. શામળે ‘લક્ષ્મીનગર સમાચાર’નું તે દિવસનું ચોપાનિયું લીધું. માંડ્યું જોવા. પહેલું પાનું – બીજું – ત્રીજું – છેલ્લું જાહેરખબરનું – પાને પાનું ને ફકરે ફકરો – લાઈને લાઈન : ક્યાંય એક લીટી પણ પોતાને વિશે ન મળે. પાંચ વાર ફેરવી ફેરવીને જોયું.

હજારીલાલજીને મળ્યો. આ તાજુબીની વાત કરી. હજારીલાલે હસીને જવાબ દીધો : “કશી જ તાજુબી નથી એમાં. હું તો જાણતો જ