આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
‘બાજે ડમરુ દિગંત’
191
 

ત્યાં તો એ દૈત્ય જેવા આદમીએ પોતાનો મુક્કો ઉગામી બૂમ પાડી : “મારો, મારી નાખો, ઠાર કરો પોલીસને.”

“નક્કી કોઈ મોકલેલો આદમી; તોફાન કરાવવાનું કાવતરું !” એટલું જ્યાં હજારીલાલ કહે છે, ત્યાં તો એ દૂર ઊભેલા મવાલીએ પથ્થર ઉઠાવી ટોળાની વચ્ચોવચ્ચ ફગાવ્યો – બરાબર જ્યાં પોલીસ ઊભા હતા ત્યાં જ.

“પકડો એ આદમીને !” કહેતા હજારીલાલજી ઊઠ્યા, ટોળા વચ્ચે થઈને મવાલીને ઝાલવા દોડ્યાં.

ત્યાં તો એ આદમીને બીજાઓએ ઝાલી લીધો હતો. પોલીસની સોટીઓ ટોળા ઉપર પડવા માંડી હતી.

દરમિયાન એક ઓરતે ઊભા થઈને બોલવા માંડ્યું :

“ભાઈઓ ને બહેનો, શહેરશાસનમાં લાંચ લેવાય છે, આપણને કોઈ બોલવા નથી દેતું. આપણો હક્ક –”

ખોખા પાછળ લપાયેલ શામળ એકાએક પોતાની પછવાડે કંઈક રમખાણ સાંભળ્યું. બરાબર અણીને વખતે એણે મોં ફેરવ્યું: કોઈ એક માતેલો, રાક્ષસી મવાલી એના તરફ ધસ્યો આવે છે; તોતિંગ એક ડંડાવાળો હાથ શામળના માથા પર ઉગામે છે. એક જ પળ – ને શામળના માથાનાં કાચલ ઊડત.

શામળે વખતસર હાથ આડો દીધો. હાથ પર ફટકો પડ્યો, દારુણ વેદના સાથે હાથ ઢળી પડ્યો. પછી એના કપાળ પર કંઈક ઝીંકાયું, ચીરો પડ્યો. ધગધગતો રક્તપ્રવાહ છૂટ્યો, આંખો લોહીમાં ઢંકાઈ ગઈ.

“ભાઈ ! તું નીચો નમી જા !” એવી જાફરભાઈએ બૂમ પાડી. શામળ પામી ગયો કે એનો જાન લેવાની આ કોશિશ છે. એ નીચે વળીને જાફરભાઈની બાજુમાં લપાયો.

એના દેહ ઉપર જાણે કશીક ઝપાઝપી બોલતી હતી, જાણે એના ઘાતકોથી એને કોઈ મિત્રો બચાવી રહ્યા છે. ધનાભાઈની બૂમ પડે છે કે ‘કોઈ બચાવો !’ કંકુબહેન જાણે આડો દેહ ધરી ઘાવ ઝીલે છે.