આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
16
સત્યની શોધમાં
 

દિવસથી દેખ્યું નથી.”

“ઓહો ! એમ છે ? બહાર નીકળો ! નીકળો ! જલદી !”

“તમે સમજ્યા નહીં, મહેરબાન !”

“મારે નથી સમજવું. નીકળ જલદી. અહીં તારી ચાલાકી નહી ચાલે. ભિખારીઓને માટે તો આંહીં કાયદો છે, સમજ્યા બેટમજી ? ચલાવ !”

ભિખારો ! એ શબ્દ શામળને સોટા સરખો વાગ્યો.

“હું ભિખારી નથી.” એણે જોરથી ત્રાડ દીધી, “મારે ભીખ નથી જો’તી. હું એના…” એટલું કહેતાં એ થંભી ગયો. કહેવા જતો હતો કે, “હું એના પૈસા ચુકાવીશ.”

શરમથી સળગી મરતો એ બહાર નીકળ્યો. ત્યાં જ એણે પ્રતિજ્ઞા કરી કે, “ગમે તે થાય, હું ભીખ તો કદી માગવનો જ નથી. મહેનતથી રળ્યા વગરનું એક રોટલાનું બટકું પણ મોંમાં મૂકવું હરામ છે મારે.”


3

ભૂખ્યો છું

હેરનો વિશાળ ચોક હતો. બહોળી બજારો હતી. રસ્તા પર ટ્રામ-ગાડીઓના પાટા હતા. પણ હજુ ભળભાંખળું હતું. શામળની આંખે અંધારાં આવતાં હતાં. શામળ એક અંધારિયા દરવાજામાં પેસીને ખૂણામાં લપાયો. થોડાં ઝોલાં ખાધાં. ત્યાં તો પ્રભાત થયું. લોકોનો અવરજવર મંડાઈ ગયો.

ફરીને નળ પર જઈ પાણી પીધું. શરીરને તાજગી મળી. એક બજારમાં એક માણસ દુકાન ખોલી રહ્યે હતો ત્યાં જઈને શામળ ઊભો. દુકાનની બારીમાં મેવા, પાંઉ વગેરે ચીજો ગોઠવેલી દીઠી. લાંઘણ્યા