આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
36
સત્યની શોધમાં
 

“સારું, સાહેબ.”

“મારે બહુ અગત્યના કામે ઉતાવળે ચાલ્યા જવું પડેલું, હાં કે ? તમારે મારા સારુ તો આંહીં શહેરમાં રોકાઈ નથી રહેવું પડ્યુંને ?”

“આપના સારુ જ તો, સાહેબ ! મારે આંહીં બીજું શું કામ હતું ?”

“હું તો બહુ દિલગીર છું, ભાઈ, કે તમને હું કશો ધંધો નહીં અપાવી શકું.”

શામળ જાણે શુક્રના તારા પરથી પછડાયો.

“વાત એમ હતી કે મારા સાળાની ભત્રીજીને ત્યાં એક નોકરની જરૂર હતી, પણ એ જગ્યા તો પુરાઈ ગઈ છે.”

શામળને હજુ શુદ્ધિ નહોતી આવી.

“– ને એ માણસ સારું કામ આપે છે, એટલે એને કાઢી પણ થોડો મુકાય છે ?”

પ્રોફેસરની એક પછી એક દલીલોએ પોષ માસના ઠંડા પવનની પેઠે શામળને થિજાવી નાખ્યો.

“બીજી કોઈ જગ્યા મારા ધ્યાનમાં નથી, એટલે હું દિલગીર છું.”

“પણ ત્યારે મારે શું કરવું ?” શામળ સમજ્યા વિના જ સવાલ કરી બેઠો.

પ્રોફેસર પાસે કશો જવાબ નહોતો.

“સાહેબ !” શામળ સંચાની પેઠે બોલતો હતો, “ધંધા વિનાના ને ભૂખમરો વેઠતા માણસે શું કરવું, એ કહેશો ?”

“ભગવાનને ખબર, ભાઈ !”

એ કહેવાની જરૂર નહોતી. ભગવાન પર તો શામળને પણ અંનત શ્રદ્ધા હતી. પ્રોફેસરને પણ પછી સાંભર્યું કે પોતાનો જવાબ અધૂરો હતો. એણે સ્પષ્ટ કર્યું : “જોને ભાઈ, આ લક્ષ્મીનગરના સંજોગો જ અનોખા છે. લક્ષ્મીનંદન શેઠે કાચનો આખો ઉદ્યોગ એકહથ્થુ કરવા સારુ થઈને ઢગલાબંધ કારખાનાં ખોલ્યાં, એટલે માલનો જથ્થો વધી પડ્યો; તે ઉપરાંત દસ જણની જગ્યાએ અક્કેક સંચો પૂરો પડે એવાં મશીનોની