આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

આવી જાય છે, માટે એમાં થોડાં પ્રકરણો ઉમેરીને ‘સત્યની શોધ’ની સિદ્ધિ બતાવવી, કંઈ નહીં તો શામળ-તેજુનો મંગળ હસ્તમેળાપ કરી આપવો, એ બાપડાંનો સંબંધ હવે સંદિગ્ધ ન રાખવો; બીજું, પુસ્તકના આંરભમાં અપ્ટન સિંકલેરનું સંક્ષિપ્ત જીવનચરિત્ર ઉમેરવું.

પહેલી સલાહને વિચારી જોતાં આખરે એમ લાગ્યું કે એક તો મૂળ પુસ્તકની મર્યાદા બહાર જવાથી એના કર્તાને અન્યાય થશે. બીજું, શામળ-તેજુના જીવનનું જોડાણ તો છેવટની સંગ્રામભૂમિ ઉપર સૂચક તેમ જ શોભતી રીતે થઈ ચૂક્યું છે. એ રણ-લગ્ન ઉપર શોણિતનો અભિષેક છંટાયો છે. મૃત્યુના મુખ સામે ઉજવાયેલું, અને કોઈપણ પુરોહિતના સ્તોત્રોચ્ચાર કરતાં અનંતગણા વધુ પુનિત ગીતધ્વનિ વડે ગજવાયેલું એ લગ્ન બન્યું છે. એવા સૂચક સંયોગને વધુ શાબ્દિક કરવાથી ફાયદો શો ?

અને અંત અધૂરો લાગે છે ? ઉકેલ અપાયો નથી ? તોપણ શું ? કોઈપણ પ્રશ્નનો ઉકેલ આપવાનું કામ વાર્તાલેખકનું નથી. ઉકેલ આપનાર એ કોણ ? એ તો ફક્ત પરિસ્થિતિની છણાવટ કરે, પ્રશ્નો અણદીઠ પડ્યા છે તેને ઉઠાવી દુનિયાની સામે ધરે; દુનિયાના હૃદયમાં એ પ્રશ્નના અસ્તિત્વનું ભાન અને એ પ્રશ્નના નિકાલની મનોવેદના, ઝંખના, તાલાવેલી જાગ્રત કરે; પોતાને સૂઝતી હોય તેવી કોઈક એક નિર્ણય-દિશા પ્રત્યે આંગળી ચીંધાડે; એથી વધુ એ ન જ કરે – જો એ ડાહ્યો હોય તો. વાર્તાલેખક એ વકીલ નથી, વૈદ પણ નથી, રાજપુરુષ પણ નથી. ઉકેલ શોધવાનું કામ તો સમાજરચનાના અગ્રણીઓનું, વ્યવહારદક્ષોનું, કર્મનિષ્ઠ પુરુષોનું છે.

અપ્ટન સિંકલેરે એ મર્યાદા સાચવવામાં યોગ્ય વિવેકનું પાલન કર્યું છે. એણે તો ફક્ત એટલું જ ચોખ્ખું કર્યું છે, કે શું નવયુગી રિદ્ધિ-સિદ્ધિ, શું વિરાટ હુન્નર-ઉદ્યોગો, શું ન્યાયમંદિરો, વિદ્યાપીઠોનાં પાંડિત્યો, ધર્મસંસ્થાઓના શુભાશયો, કે શું પ્રજાપ્રતિનિધિત્વનાં કહેવાતાં બંધારણો, એ તમામ એકાદ સ્થાપિત હિતવાળા લોકવર્ગની સોનેરી જાળ

[7]