આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
74
સત્યની શોધમાં
 

ઝીલી કાઢે, તો સાહેબ માને કે એ સાચું કહે છે.

શામળને પાછો બબલાદાદાની જોડે પૂરી દેવામાં આવ્યો. સાથીએ પૂછ્યું : “કાં, તારી વાતને બરાબર વળગી રહેલો કે, દોસ્ત ?”

“હા જ તો.”

“તો તો હાલઘડીએ કાંક જાદુ થાશે.”

– ને જાદુ થયું. કલાક પછી ફોજદારે આવીને ચાવી ફેરવી. બબલાને તથા શામળને એક ખૂણે લઈ ગયા. શામળને પૂછ્યું : “છોકરા, બોલ, તારે દિત્તુ શેઠની સાથે કાંઈ અદાવત છે ?”

“ના. શા સારુ હોય ?”

“તને છોડી દઈએ, તો આ કિસ્સા બાબત તારી જબાન બંધ રહી શકશે ?”

“જરૂર – જો તમે કહેતા હો તો હું એક શબ્દ પણ ન ઉચ્ચારું.”

“શાબાશ ! ને બબલા, તું આમ જો. તારો ગુનો તું સમજે છે ને ? તું દસ વરસના કાળાપાણીમાં ટિપાઈ જવાનો છે, જાણે છે ?”

“હા જ તો. જીવતી કબર.”

“તો પછી આપણે સાટું કરવું છે ?”

“શી રીતે ?”

“તારે લક્ષ્મીનગર છોડી જવું, ને આ ‘નંદનવન’વાળા મામલા વિશે એક હરફ પણ ક્યાંય ન કાઢવો. છે કબૂલ ?”

“કબૂલ.”

“વાહ વાહ ! આ લે ત્યારે આ તારાં ઓજારો. પાછળની બારીના સળિયા ખેસવીને પરોઢિયા પહેલાં રફુચક્કર થઈ જવાનું. આ લે રૂપિયા 5૦ રોકડા ખરચીના. આ જુવાનને પણ સાથે લઈ જવો. નવીનાબાદ જઈને એને ત્યાં ગુમ કરી દેવો. સમજાયું ?”

“બરાબર સમજાયું.”

“તો પછી બસ, કામ શરૂ કર.”

ફરી વાર પાછી પોલીસ-જેલ ઉપર ચુપકીદી પથરાઈ ગઈ.