આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બબલો
75
 

બબલાએ એનાં ઓજારો હાથમાં લીધાં. ઓજારો એટલે બારીના સળિયા ઉખેડી નાખવાનાં ચોર-આયુધો.

બે કલાકમાં ચુપચાપ બબલાએ પછવાડેની બારીમાંથી આખો આદમી નીકળી શકે તેટલી જગ્યા કરી નાખી, પોતાનાં ઓજારો એણે ખીસામાં નાખ્યાં. શામળ પડ્યો હતો તેને કહ્યું : “ચલો, મિસ્ટર !”

પ્રથમ પોતે – પછી શામળ : બંને બારીમાંથી નીકળીને કૂદકો મારી રસ્તે પડ્યા. થોડે ચાલીને પછી એણે શામળને એક અંધારી ગલીમાં લીધો. એકાદ માઈલની ગલીકૂંચી વટાવ્યા પછી એક ઘર આવ્યું. બબલાએ ચાવી ફેરવીને તાળું ખોલ્યું. બીજા માળ પર પછવાડેના ભાગમાં એક ઓરડો હતો ત્યાં જઈ બબલાએ બત્તી કરી, કોટ ઉતાર્યો, શામળને કહ્યું કે, “હવે આંહીં મોજથી રહે, દોસ્ત.”

“આ તમારું ઘર છે ?”

“હા દોસ્ત. પણ હજુ આ કોઈ ખૂંટડાઓએ જોયું નથી.” ખૂંટડા એટલે પોલીસો.

“પણ આપણે તો શહેર છોડીને જવાનું હતું ને ?”

“તું તારે લહેર કરને, યાર !”

“એટલે શું આપણે નથી જવાનું ?”

“ના રે ! લક્ષ્મીનગર છોડીને જવાય ? આ શહેરમાં ચરી ખાવાનો તો મને સદર પરવાનો છે.”

“એટલે શું તમને નહીં પકડે હવે ?”

“મગદૂર નથી – સિવાય કે હું ખૂન કરું.”

“પણ તમારી એને શી બીક ?”

“બીક ? જોને યાર, દાખલા તરીકે આ દિત્તુ શેઠવાળો જ કિસ્સો : આપણે નવીનાબાદ જઈને ત્યાંના ‘તોપ’ નામના છાપામાં જ છપાવીએ, એટલે આંહીંની પોલીસને સાતપાંચ થઈ જાય, ખરું કે નહીં ?”

“ખરું.”

બબલો ચુંગી સળગાવીને ધુમાડાનાં ગૂંચળાં કાઢતો પોતાના