આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બબલો
77
 

છોડ્યા છે ? પોતાની નજીક આવનાર તમામને એણે ધૂત્યા છે.”

“મને ખબર નહોતી.”

“ત્યારે તો તું એની હડફેટમાં ચડ્યો નથી લાગતો,” બબલો હોકલી પીતો પીતો હસ્યો, “તું અહીં ક્યાંથી આવે છે ?”

શામળે અથ-ઇતિ પોતાનો ઇતિહાસ કહ્યો. એમાં પેલા કાચના કારખાનાના શૅરો રૂ. 1000ના ડૂબ્યા તે વાત પણ આવી.

“બાપ રે બાપ !” બબલો બોલી ઊઠ્યો, “તું તો કહેતો’તો ને કે લખમીનંદન શેઠના સપાટામાં તું આવ્યો જ નથી ? ત્યારે પછી આ રૂપિયા 1000 એણે તારી કનેથી ધૂત્યા ન કહેવાય કે ?”

“નહીં જ તો. એમાં એ શું કરે ? એમાં એનો શો દોષ ? એ ગુજરી ગયા તે વખતે શૅરોના ભાવ બેસી ગયા !”

“મૂરખો રે મૂરખો ! પણ એટલું તો વિચાર કે એ મરી જાય તેમાં શૅરોના ભાવ શા સારુ બેસી જાય ? – સિવાય કે એણે પોતાની ઇસ્કામત કરતાં દસગણી રકમનાં કાગળિયાં છાપીને લોકોની છાતી ઉપર ચાંપ્યાં હોય ?”

શામળનું ડાચું બિડાયું : “આવું તો મેં વિચાર્યું જ નહોતું !”

પછી શામળે પોતાના ભૂખમરાની, પ્રોફેસર ચંદ્રશેખરના મેળાપની, ચંદ્રશેખરસાહેબે સમજાવેલી નવી ફિલસૂફીની વગેરે વાતો કરી. “હું દુનિયાનો એક ભાગ્યહીન, નાલાયક, કમતાકાત માણસ હતો તે પ્રોફેસરસાહેબે મને દીવા જેવું કરી દેખાડ્યું.”

“ને તું એનું થૂંકેલું બધુંય ગળી ગયો ?” બબલાના મોંમાંથી હોકલી નીકળી ગઈ.

“હા જ તો. મારે ગળે ઘૂંટડો ઊતરી ગયો.”

“ને બસ, તું એ મુજબ વર્તવા નીકળી પડ્યો ? ભૂખમરાથી જાન કાઢી નાખવા –”

“હા, બીજો કયો માર્ગ હતો ?”

“વાહ વાહ ! મારે જ્યારે ભૂખે મરવાનું ટાણું આવ્યું’તું, ત્યારે મને