આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
86
સત્યની શોધમાં
 

 પછી તો એણે પોતાનાં અનેક સાહસોની વાતો કહી. એ વાતોએ ચોરીના કસબનું અદ્ભુત આકર્ષણ ખડું કર્યું. શામળ મંત્રમુગ્ધ બનીને થંભેલ શ્વાસે એ સાહસકથાઓ સાંભળી રહ્યો.

“હવે એક નીંદર ખેંચી કાઢીએ. એક વાગ્યે ઊપડશું.”

બબલો ગાઢ નિદ્રામાં સૂતો. શામળની આંખોમાં તો નિદ્રા શાની હોય ? એ વિચારે ચડ્યો :

મેં કોલ દીધો છે, માટે આજની રાતના કસબમાં શામિલ તો રહીશ, પણ તેજુની બાને પૈસા ચૂકવવાના છે તેથી વધુ એક પાઈ પણ મારા ભાગમાં નહીં લઉં, ને એ પછી કદી ચોરી નહીં કરું.

એકને ટકોરે ઊઠીને બેઉ ચાલ્યા. નદીનો પુલ ઓળંગીને શહેરના વસવાટના લત્તામાં આવ્યા; એક ખૂણે થંભ્યા. બબલાએ કહ્યું : “પેલું જ એ ઘર.” આસપાસ બગીચો હતો. બે માળનું સુંદર મકાન હતું.

બેઉ પેઠા. શામળ ધ્રૂજતો ધ્રૂજતો અંધારે એક ઓથમાં ઊભો રહ્યો. બબલાએ ઓજાર ચલાવ્યાં. જરીકે અવાજ વિના તાળું ઉઘાડી નાખ્યું. અંદર ઘૂસ્યા. ઘરમાં સ્મશાનની શાંતિ હતી. બબલાએ બત્તીની રોશની ફેંકી. એ એક જ ઝબકારમાં શામળે ઘરની સમૃદ્ધિ પારખી. સામે અરીસા, ને જસત તથા રૂપાનાં વાસણોની માંડ્ય એ રોશનીની સામે ઝળળી ઊઠ્યાં.

“પેલું તારે ચોકી કરવાનું બારણું.” એમ કહી બબલાએ શામળને ત્યાં ઉભાડી, માર્ગ સાધ્યો.

શામળ ઊભો રહ્યો. વારંવાર સીડીનાં પગથિયાંનો કિચૂડાટ સંભળાય છે ને અંધકારમાં શામળનું કલેજું ફફડી ઊઠે છે. ચીસ ગળામાં ઘૂમરીઓ ખાય છે. પાછો અવાજ અટકે છે ને બધે નીરવતા પથરાઈ રહે છે.

અક્કેક મિનિટ અક્કેક યુગ જેવી જતી હતી. શામળ ખીલાની માફક ખોડાઈને ઊભેલ છે. બારણું એ જોઈ શકતો નથી. ત્યાં કોણ સૂતું હશે ? આવો ભયંકર કસબ કરીને જીવવું તે કરતાં મરી જવું શું