આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧

લગ્ન કેમ થાય તેના વિચારમાં ગુંથાઈ જઈને સોચ કરે છે; તેમાં કુળની વાતનું સમરણ થતાં ઘણો સંતાપ કરે છે. થોડી વારે તેના હાથમાં મહીપતરામ કૃત સાસુવહુની લડાઈનું પુસ્તક આવ્યું, તે પર જ વિચાર કરતાં બોલ્યો કે, “આ પણ કુલીન ઘરની લીલા છે. ઘરમાં સદા ક્લેશ કંકાશના બી રોપાયલા છે તે કુલીન ! સ્ત્રીઓ જે ઘરની શોભા છે, સ્ત્રીઓ જે ઘરનો શણગાર છે, સ્ત્રીઓ જે ઘરની શ્રીસ્વરૂપ છે, સ્ત્રી અને લક્ષ્મિમાં કંઈ જુદાપણું નથી, તેટલું છતાં અમારા બ્રહ્મ-દેવો સ્ત્રીઓને એક તુચ્છ પ્રાણી તરીકે લેખવે છે; તેનાપર અનેક પ્રકારના સંકટ ગુજારે છે. અરે એટલુ જ નહીં, પણ કુલીન જાણીને જેઓને કોઈ બીજી જ્ઞાતોમાં એક પણ કન્યા મળવી દોહેલી થઈ પડે છે તેઓને મારી જ્ઞાતમાં ચાર ચાર, પાંચ પાંચ ને આઠ આઠ સ્ત્રીઓ મળે છે. મારી જ્ઞાતની કોઇ પણ સ્ત્રીને હું સુખી જોતો નથી. તેઓ રોજના રડણા રડનારી છે, ને તેથીજ હું ધારૂં છું કે મારી જ્ઞાત બીજા કરતાં