આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૭

કરીશ, જનની, તું શું મને મરણ પામેલી જોવા ચાહે છે ? મારૂં રક્ષણ તું નહીં કરી શકે તો કોણ કરશે ? વિચાર કર, ને જે યોગ્ય પુરૂષ છે, જેને તે તારા મન સાથે યોગ્ય ગણ્યો છે તેને મુકીને મને આવા મૂર્ખ સાથે નહીં પરણાવ. મારા શિક્ષકબાઇએ એક વખત કહ્યું હતું કે સંકટ આવે ત્યારે પ્રભુ સ્મરણ કરીને હિંમત રાખીને કાર્ય જે કોઈ કરે છે તેનું કાર્ય સિધ્ધ થાય છે. તું હિમત પકડ, મારા આ આસું તરફ જો, ને પછી શું કરવું તે તારા મનને પૂછ. જોઇયે તો મને લગ્ન પહેલા મરેલી જો, અથવા રૂડે ઠેકાણે પરણાવેલી જો.

ગુણવંતગવરી, સુંદરીનું આ ભાષણ સાંભળીને સકડજ થઈ ગઈ તેનું મન જરા ધચુપચુ હતું તે હવે દ્રઢ થયું, ને તેણે મનમાં નિશ્ચય કીધો કે ગમે તેમ કરીને પણ મારી આ સુલક્ષણ પુત્રીનું સંરક્ષણ કરવું એ ભારે ધર્મ છે, ને તે ધર્મ હું બજાવીશ. તે તુરત સુંદરીના કાનપર પડી ને કંઈ બોલી, જેથી સુંદરી સહેજ મલકાઇ, પણ તેનુ મન ધડકતું હતું.