આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૧૦૧


પ્રકરણ ૧૨ મું
દુમાલનું મેદાન

પ્રજારક્ષક સૈન્યની ઝડપ, હિંમત અને સાહસનો વિચાર કરતા મરાઠા સિપાહો મેદાન પડ્યા કે “હરહર મહાદેવ !” નો એક મોટો ધ્વનિ થયો અને તેનો પ્રત્યાધાત પાછો તેટલા જ જોરમાં પડ્યો.

“પેલા ! પેલા !” મરાઠાઓએ પોતાની આંગળી બતાવી, જે લશ્કરને આપણે પૂર્વમાં વર્ણવી ગયા તેને બતાવ્યું, “પેલા કાફરો, નવાબના કૂતરા અને તેના સરદાર આવે છે. આપણે હવે તેમનાપર એકદમ તૂટી પડિયે !”

“હા, શૂરા જવાનો !” સરદાર તાનાજી માલુસરેએ કંઈપણ વિચાર વગર હુકમ આપ્યો, પણ તેના મનમાં જે ઢચુપચુપણું હતું તે તેની આસપાસના યોદ્ધાઓ બરાબર જોઈ શક્યા, ને તેથી તેમની હિમ્મત પાછી હઠી ગઈ. તેમના મનમાં તુર્ત આવી ગયું કે સરદારના મનમાં જ આજની ઝપાઝપીનું પરિણામ શકમંદ છે, તો પછી જયની આશા ક્યાંથી હોય ? મરાઠાઓ આ સમયે ઘણા શૌર્યાવેશમાં આવ્યા હતા, પણ તાનાજીનો સ્વર સાંભળતા સાથે તેઓ અટકી ઉભા રહ્યા.

મરાઠા લશ્કરની જગા અને પ્રજારક્ષક સૈન્યની જગા વચ્ચે આ વખતે લગભગ પા મૈલનો અંતર હતો. શિવાજી એક ઘણા વર્ષના પુરાણા વડના ઝાડ તળે ઉભો રહી ક્ષણભર વિચાર કરતો હતો. વખત રાત્રિના ચાર વાગ્યાનો હતો. બન્ને લશ્કર વચ્ચે માત્ર એક ખાઈ કે જે નદીનાં પાણી રેલને વખતે આવે તેને રહેવા માટે, હમણાં છે તે કરતાં ત્રણ ગણી મોટી હતી. તેમાં આ વખતે પુષ્કળ કીચડ ભરાયલો હતો. મરાઠાઓએ પોતાને શહેરમાં જવા આવવા માટે નાના લાકડાનો પુલ બાંધીને દરવાજા આગળ મૂક્યો હતો, કે જેનાપર હમણાં પ્રજારક્ષક સૈન્યની સત્તા હતી