આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૩
દુમાલનું મેદાન


પણ પ્રકારે ખરું યુદ્ધ થશે નહિ એવો વિચાર બંને પક્ષના સરદારોને આવ્યો - ને તે એક જ સમયે, તેથી એક સરદાર વધારે સબળ ને એક નિર્બળ થયો. બંનેએ ભવિષ્ય શું નીવડે છે, તેપર આધાર રાખ્યો. બન્ને સરદારોના મનમાં આ વખતનો રંગ નવો જ હતો ને બંને જણ એમ સારી રીતે જાણતા, સમજતા ને માનતા હતા કે, કોઈ પણ રીતે લડાઈ બંધ પડે તો વધારે સારું. નવરોઝના મનમાં વિચાર થતો કે શિવાજી કંઈ બે ત્રણ હજાર માણસ વગર આવ્યો ન હશે, વળી તેનું કવાયદી લશ્કર છે, તેના મોં આગળ આ મુઠ્ઠીભર માણસોનો હિસાબ નથી, તેથી જો એ ભાગી જાય તો શહેર હવે પછીની પીડામાંથી મુક્ત થાય. જે ગયું તે પાછું આવવાનું નથી, ને તેનો બદલો લેવાના મૂર્ખાઈ ભરેલા વિચારો નકામા છે. નાશ વહોરી સંહાર કરાવવો એ ખોટું છે. વળી ઔરંગજેબ જાલમ છે. તે આ તકનો કદાપિ વ્યર્થ લાભ લે તો 'બકરું કાઢતાં ઉંટ પેસે,' ને લાભ કરતાં હાનિ વધારે થાય. વળી નવાબી હુકમ મળ્યો નથી, ને લડાઈ વધારે વખત ચાલી તો તે માટેનાં સાહિત્ય લશ્કર પાસે નથી. હાર્યા તો શિવાજી પ્રજાને કચડી નાંખશે, માટે બને ત્યાં સુધી રક્ષકનીતિ પકડીને એને ભગાડવો.

શિવાજીના મનમાં પણ આવો જ વિચાર હતો. તે મનમાં બોલ્યો કે, “કદાપિ નવાબનું લશ્કર પૂરેપૂરું ચઢી આવ્યું હશે તો તે આ મરાઠા, જે માત્ર પંદરસોથી વધારે નથી તેનો નાશ કરશે; હાથ આવેલી લૂટ તેએા લઈ લેશે, ને માણસો કપાઈ મરશે તે જૂદાં. આટલા માટે નાસવાનો લાગ મળે તો લડાઈ અટકાવીને ચાલ્યા જવું એ વધારે સારું છે. પણ નસાય કેમ ? નવાબી સેના પૂંઠે પડે તો રહેલાં સઘળાં માણસોને ક્ષણમાં કાપી નાંખે; મેળવેલી કીર્તિ ને મેળવેલી લૂટ ઘડીના છઠ્ઠા ભાગમાં જતી રહે. મને માણસ કરતાં આ હાથ આવેલી કીમતી દોલત વધારે ખપની છે.” આમ મન સાથ બડબડ્યા પછી તે ક્ષણભર