આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સુરતની ચડતી પડતીના રંગ.




એ પ્રમાણે વખતના દવે શહેરની આબાદીને લીલોકુંજાર જેવો બાગ બાળી નાંખ્યો. રે, અશોકવાડી જેવું શોભતું સુરત શહેર, સહેજ સહેજમાં સ્મશાન જેવું થઈ રહ્યું ! રે, નવાબની ગાદી, જે પોતાની જૈફીની કરચલીવાળી હાલતમાં પણ આથમતા આફતાબના તેજ જેવી દીપતી, તે પણ ક્યાં છે? ઈદમાં નીકળતી નવાબેાની સવારી શહેરને જેબ આપતી, તે કયાં જતી રહી ? વખત, તું કેટલો કિનાખોર અને ઘાતકી છે? ચાલીસ લાખની જે ગાદી કહેવાતી, તે ગાદીના છેલ્લાનું મુડદું અવલમજલે પહોંચાડવાને તેના જમાઈને પોતાના શાહુકાર પાસેથી પાંચશે રૂપિયા ઉછીના લેવા પડ્યા ! અરેરે, ખીલેલાં કમળ સરખું તે કિલ્લાનું મેદાન, માણેકના ચોક જેવી તે મોગલી સરાહ ને નંગમાળ જેવું તે નાણાવટ, ચાંદ જેવું તે ચૌટું, રસે રાતો કસુંબા જેવો તે રહિયા સોનીનો ચકલો, બામદાદના રંગ જેવી તે બુરહાનપુરી ભાગળ ને ગોકુળ જેવું તે ગોપીપરું - ક્યાં ક્યાં ઉડી ગયાં ! અરે, ઓ પ્યારી સુરત, હવે તો અમારે નસીબે તારાં ખંડિયેર ઉપર પડતા તીત તડકાના અદ્ધર તરતાં તેજને ઉદાસીન મોંઢે બેઠાં બેઠાં જોયાં કરવાનું જ રહ્યું છે ! અફસોસ!

(કવિ નર્મદાશંકર)