આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮
શિવાજીની સૂરતની લૂટ

ત્યારથી તે હમણાં સુધીમાં જે જે માણસોનો સંબંધ થયો છે તેનાથી અને જે લોકો આવજાવ કરે છે તેનાથી, તેમની રીતભાતથી, તેમના ડોળદધામથી, મારી પૂરી ખાત્રી થાય છે કે, સુરતના જેવું એક પણ નગર પૈસાની બાબતમાં ચઢતું હશે નહિ. જેને જોઉં છું તેનો સિનો જ ઘણો ભારી હોય છે. દેવાલયમાં જે દર્શને આવે છે તે પાવલી બે આનીથી એાછી ભેટ ધરતું નથી. જો પૈસો ન હોય તે એવી રેલ-છેલથી કામ કરે નહિ. અમારામાંનો કોઈ પણ દૂત, મને આશા છે કે, થોડા વખતમાં આવીને કંઈ પણ વાત કહેશે.”

“અહા, અબે બહિર ! કોઈ મરાઠા !” મહારાજ વચ્ચે બોલ્યા, “પ્રાતઃકાલમેં ઇધર આયાથા સહી.”

"તે સંબંધી હું તમને સઘળું કહીશ પછી, પણ પ્રથમ તમે શું સહાય કરવા માંગો છો, અને તેને માટે શું યુક્તિ કરવી તે મને જણાવશો.” પણ તેટલામાં પાછો પછીત તરફથી કંઈક અવાજ આવ્યો ને બહિરજી ને બાવાજી બંને સાથે જ ચમક્યા.

“કૂછ હે સહી !” બાવાજીએ કહ્યું, “ચાલ અબે દેખ ક્યા હૈ !” બંને જણ ઉઠીને બાજુએ તપાસ કરવા ધસ્યા. પણ જેવા તેઓ જાય છે તેવું જ દૂર ઝાડીમાંથી કોઈ માણસને પસાર થતું જોયું. બહિરજી તેની પછાડી જોવાને દોડ્યો, પણ ચંદ્રના કંઈ અજવાળામાં તથા ઝાડીના અંધારાની ગીચ ઘટામાં તેને સ્ત્રી જેવી આકૃતિ જણાઈ, એટલે કંઈ વિચાર કરીને ચમક્યો, પણ પાછો વિચાર કરી તે તે આકૃતિને પકડવાને દોડ્યો, આસરે વીશેક વાર દૂર ગયો નહિ હશે, તેટલામાં એક મોટા પથ્થરની ઠોકર લાગી તેથી તે ઝટ જમીનપર કૂટાયો; અને ત્યારે તેના મનમાં ખાત્રી થઈ કે, મેં હુજતાઈ વાપરી એ ઠીક કીધું નહિ.

બહિરજીએ જેવી સ્ત્રીની આકૃતિ જોઈ તેવા તેને બે વિચાર આવ્યા. એક એ કે કાં તો એ કોઈ બાવાજીની લુગાઈ હશે ને તે બાવાજીને મળવા આવતી હશે, તેવામાં બે જણને જોઈ તે નાસી ગઈ છે, બીજો