આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪
શિવાજીની સુરતની લુટ

ઘણા અચ્છા કલમકસ ચિત્રકારનાં ચિત્રેલાં હતાં. એક બાજુએ બે સુંદર મોર જુદા જુદા સંગેમરમરના ટેબલપર ગોઠવેલા હતા અને ઈરાની વાજિંત્ર, જે ઘણો સુંદર ને મનહર સરેાદ કહાડતું હતું તે પણ એક બાજુએ મૂકેલું હતું. સામસામા મોટા આયના ગોઠવેલા, તેમાં આરપાર જોતાં એમ જ માલુમ પડતું કે, બીજા અંદર વળી કેટલાએ ઓરડા એવી જ રીતે શણગારેલા છે. સઘળી જગ્યાએ સ્વચ્છતા ને સુધડતા હતી; અને સઘળે ઠેકાણે આસપાસ જોતાં મન ઘણું રંજન થતું હતું. વાડીમાંથી ફૂલોના પરાગનો બહેકાટ આવતો, તેથી મગજ તર થઈ જતું. બંગલાની અંદર ને બહાર બંને ઠેકાણે ફૂલાદિની રચના પણ એક નવીન ઢબછબની કરી હતી.

“પ્રિય મણિ !” હરિલાલ, મણિગવરીના ઓરડામાં જઈને, ઘણા ગંભીર પણ પ્રીતિ ભરેલા શબ્દથી, હોઠ સાથે હોઠ મેળવીને બોલ્યોઃ “મને ઘણી ધાસ્તી લાગે છે કે, આજની મોજમઝાનું પરિણામ ઘણું માઠું આવશે. જે રીતે આજનો મેલાવડો કીધો છે, તે રીતે સવાર સુધી કંઈ પણ છૂટકો થશે નહિં; કદાચિત્ બેગમનો પ્રતિઉત્તર અહીં નહિ આવ્યો, તો ખચીત તે શહેરમાં આવશે જ. ત્યાં જો તું ન મળી તો સમયે બેગમ સાહેબા ઘણાં ગુસ્સે થશે અને વળી રાજદ્રોહી ગણાઈશું. આજની મઝામાંથી તું બાતલ થાય તે મને જરાએ પસંદ નથી, તેમ તું અગત્યનું કામ કરે નહિ તે મોટું ભય ભરેલું છે. તારે સૌથી પહેલાં તે કામ કરવું જેઈએ. મારી પ્રસન્નતા કે અપ્રસન્નતાનો વિચાર હમણાં કરવાનો જ નથી. તારે તો શહેરમાં હમણાં જ જવું જોઈયે. તૈયાર થઈને ગુપચૂપ શહેરમાં જા, હું ગમે તે પ્રકારે સહુ ભાઈઓને સમજાવીશ. તારે જઈને સૌથી પહેલાં બેગમ સાહેબાને મળવું અને જે છૂપા શત્રુએ, ગઈ રાત્રિના તને ને મને ચમકાવ્યાં છે અને જે સૂર્યપુરના નાશ માટે મચેલા છે, તેને તેની કૃતિનાં ફળ ચખાડવાને નવાબને જાગૃત કરવો.”