આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૧
બેરાગી

સંસારનો ત્યાગ કરે છે. તેઓની વૃત્તિ તો જેમાં હોય તેમાંથી ખસતી નથી ને ત્યાગી છતે, કંઈ પણ લજજા વગર, સ્ત્રીથી કે ધનથી મોહ પામી ત્યાગને લજવાવે છે. પછી સર્વ કોઈ તેમને તિરસ્કારની નજરથી જોય છે. ત્યાગ ધરવો તેનો મૂળ હેતુ તો જગતના પદાર્થ માત્રમાં જે મમતા બંધાઈ ગઈ છે, તેનો સર્વાંશે ત્યાગ કરી, બંધમાંથી મુક્ત થવું. પણ માયિક પદાર્થોના નિરંતર સહવાસથી તે મમતા ત્યાગીમાં તો અત્યંત તીવ્રતર થતી જાય છે. જેમ મમતાની દૃઢતા વધતી જાય છે, તેમ બ્રહ્મજ્ઞાનથી તેની વિમુખતાની વૃદ્ધિ વધતી જાય છે. પદાર્થનાં સંગના ત્યાગથી જગતના જે પદાર્થપર વૈરાગ્ય કરવાનો છે ને મુક્ત થવાનું છે, તે થવામાં કામક્રોધાદિ ષડ્‍ રિપુઓને જિતી, ઈંદ્રિયોનો દૃઢ નિગ્રહ કરવાનો છે. એમ વૈરાગ્યની દૃઢતા થવાથી બ્રહ્મમાં ચિત્ત લાગી જાય છે, ને તે દ્વારા મોક્ષ પમાય છે. તેને બદલે માયા છોડી માયાને વળગતા જાય છે, તેનું કારણ તેઓએ માત્ર દેખીતો જ માયાનો ત્યાગ કર્યો છે, પણ મનથી કર્યો નથી. માનસિક ત્યાગ એ જ વૈરાગ્યનું મુખ્ય સાધન છે. જે ઉપરથી ત્યાગ કરે છે, પણ મનથી કરતા નથી તેઓ મિથ્યાચારી કહેવાય છે, મનની મશ્કરી કરે છે. ગીતામાં પણ શ્રીભગવાને કહ્યું છે:-

कर्मेन्द्रियाणि संयम्य य आस्ते मनसा स्मरन् ।

इन्द्रियार्थान् विमूढात्मा मिथ्याचार: स उच्यते ॥

જે પુરુષ વાક્, હાથ, પગ, પાયુ અને ઉપસ્થ એ કર્મેન્દ્રિયોનું સંયમન એટલે નિગ્રહ કરીને, એ ઇંદ્રિયોના વિષયોનું મનથી સ્મરણ કરતો રહે છે, તે વિમૂઢ (મૂઢોમાં પણ ચડિયાતો) મિથ્યાચારી કહેવાય છે.

તેઓ નહિ ઈહલોકના કે નહિ પરલોકના. ધોબીનો બળદ નહિ ઘરનો ને નહિ ઘાટનો. એવી સ્થિતિના બેરાગી-એક નહિ, પણ બે રાગી છે. એવાઓ ગમે તેમ નિર્વાહ કરી પેટ ભરે છે, પણ અક્ષય સુખમાંથી રઝળી મરે છે.