આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રકાશકનું નિવેદન


ગ્રન્થકારની જન્મભૂમિ સુરત હતી, અને બાલ્ય તથા કૌમારની અવસ્થા ત્યાં આગળ જ ગુજારી હતી, તેથી તેનાં સ્મરણાવશેષ તેમના હૃદય૫ટ ઉ૫ર જીંદગીભર રહેલાં, અને સુરત માટે અભિમાન, ૫ક્ષપાત અને પ્રેમ વિશેષ હતા, જે આ બે વાર્તામાં દ્રષ્ટિગોચર થાય છે. તેમણે આ બંને નવલકથાઓ ઘણા જ ઉમંગથી લખી હતી, તેથી સ્વદેશાભિમાન દર્શાવવામાં અને હૃદયસ્પર્શક અને બોધયુક્ત વર્ણન શૈલી વગેરેમાં જોશ અને પ્રેમ સારાં દેખાય છે. તેમના સમકાલીન લેખકોએ આ વાર્તા પુષ્કળ વખાણી હતી, અને તેની ભાષાશૈલી માટે પ્રોફેસર રા. શાપુરજી કાવસજી હોડીવાળા, બી. એ. એમણે પોતાના નિબંધમાં પણ તેના ઉતારા લીધા છે.

મૂળ ગ્રન્થકારની આ નવલકથાની નવીન આવૃત્તિ આજે ગુજરાતી પ્રજા આગળ રજુ કરતાં અમને હર્ષ થાય છે, અને તે શિષ્ટ સાહિત્યમાં ગણાઈ પૂર્વની માફક લોકપ્રિય થશે એવી આશા છે.

પુસ્તક છપાઈને ઘણો વખત થયાં તૈયાર થઈ ગયું હતું, પણ ચિત્ર દાખલ કરવાના લોભથી મોડું પ્રકટ થાય છે, તે માટે રસીકો પ્રત્યે ક્ષમા યાચના છે.


દશેરા-૧૯૮૪
મુંબઈ.
}
નટવરલાલ ઈચ્છારામ દેશાઈ