આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૭


પ્રકરણ ૯ મું
કિલ્લાની મંડળી

દિલ્લીમાં રાતના શહેરના સર્વે અમલદારો ને નવાબ, શહેરના રક્ષણ માટે વિચારમાં બેઠા હતા. નવાબ આખો દિવસ પોતાની મૂર્ખાઈનો પશ્ચાત્તાપ કરતો હતો. જો તેણે તે દિવસનું મોતીનું બેાલવું લક્ષમાં લીધું હોત અને શહેરના રક્ષણ માટે ઉપાય યોજ્યા હત તો આજની વિપત્તિ આવી પડત નહિ. પણ “શહેરમાં આફત નથી, એ તો મોતીની ભ્રાંતિ છે.” એ વિચારથી આજે શહેરનું સત્યાનાશ વળ્યું છે, કિલ્લા નજીકની ખાઈનો પુલ ઉપાડી લીધો હતો, નવાબે પોતાના રક્ષણ માટે ઘણા પઠ્ઠા પઠાણ રક્ષકોને સાથે રાખ્યા હતા. પોતાના મહેલના રક્ષણ માટે પણ પાકો બંદોબસ્ત એક જ રાતમાં કરી દીધો હતો, તથાપિ નવાબને ઘણી ભીતિ હતી કે, રખેને શત્રુઓ કિલ્લામાં દોડી આવે. નવાબને વારંવાર મોતી ધીરજ દેતી હતી કે જે થયું તે ન થયું થનાર નથી; પણ હવે કેમ વર્તવું તેનો વિચાર કરવા માટે સૌ પશ્ચિમ બાજુના કિલ્લાના ભાગમાં બેઠા. સૌ મળીને બાર સરદાર, ચાર સ્ત્રીઓ, સાત હિંદુઓ, પાંચ ખેાજા ગુલામ અને બે લોંડીઓ, એટલાં જણ તે સ્થળે હાજર હતાં.

“સરદાર નવરોઝ, તું હવે શું કરવાની સલાહ આપે છે ?” નવાબે ઘણી ગમગીનીથી પૂછયું.

“મારી તરફથી હવે કંઈ નહિ.”

“દુશ્મનો મારી રાંક પ્રજાને રંજાડે તે મારે સુખેથી જોવું ?”

“તેનું જેવું નસીબ, ખુદાવંદ મારો શો ઉપાય ?”

“એ મરાઠા સરદાર કોણ છે તે માલુમ છે ? કદાચિત્-”

“નવો લૂટારો શિવાજી હશે.”

“તે તો ઘણું સત્યાનાશ વાળશે ને મારી પ્રજા ખેદાનમેદાન થશે !”

“ખરેખર, ખુદાવંદ !”