આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભસ્મનાં પડ:૯૯
 

ટૂંકમાં તેનું કાર્ય હતું. તેના સામ્યવાદે મહાસભાના કાર્યક્રમમાં તેને અનેક દૂષણો દર્શાવ્યાં હતાં, પરંતુ સનાતની, આર્યસમાજી, હિંદુ મહાસભાવાદી, મુસ્લિમ લીગના સિદ્ધાન્તી, સમાજવાદી, સામ્યવાદી, રજવાડાવાદી, મજૂરપક્ષવાદી, વ્યાપારવાદી, સુધારક, બ્રિટિશ સત્તાવાદી, એ સર્વનાં બાણોથી વીંધાઈ રહેલી મહાસભા મહાસભાવાદીઓના જ પ્રહારનું નિશાન બને એમાં પરાશરને હિંદી માનસના એક ભયાનક રોગનું જ દર્શન થયું. ઘમંડ, વિભાગીકરણ, સંયમનો અભાવ એ પેઢી દર પેઢી ચાલતા આવેલા હિંદના ચિરસ્થાયી દોષ હિંદમાં નવી નવી રાજકીય ન્યાતજાત ઊભી કર્યો જ જતા હતા, તેનું એને એકાએક દર્શન થયું.

એક નક્કી વાત : પરતંત્ર હિંદને સ્વતંત્ર બનાવવું એ પ્રશ્ન ઉપર તો પડદો ઢંકાય છે, અને કોમ, ધર્મ અને વાદનાં નવાં નવાં રણમેદાનો ખીલી આવે છે ! હિંદના નવજીવનનું એ ચિહ્ન કે હિંદનાં રોગભર્યાં એ ગૂમડાં ?

ધર્મ ! કોમ ! વાદ ! પરાશરના દાંત કચકચી ગયા. ધર્મને, કોમને અને વાદને વાઢી નાખવાનો તેણે માનસિક અભિનય કર્યો, અને પોતાની ખુરશી પાસે આવ્યો ત્યાં સુધી તેને ખબર પડી નહીં કે તેના સાથીદારો તેની સામે કુતૂહલથી જોયા કરતા હતા.

‘કેમ બચ્ચા ! ધમકાવ્યોને ખૂબ ?’ લાલભાઈએ પરાશરની વિચિત્ર મુખકલા જોઈ પૂછયું.

સત્ય અને અહિંસાનો પ્રચાર કરવા પ્રગટ થયેલા મહાસભાના વાજિંત્રરૂપે 'સત્યવાદી’ પત્રની કચેરીમાં પણ ધાકધમકી અને કાવાદાવાનાં વાતાવરણ ઘટ્ટ બની શકતાં હતાં, એટલું તો લાલભાઈની વાણી સ્પષ્ટ કરતી હતી.

‘ના, મને કોણ ધમકાવે ?' પરાશરે જવાબ આપ્યો.

‘હું બધું જાણું છું ! પેલા રજવાડાની વિરુદ્ધ તે છાપી માર્યું હતું ને ? તને મેં અમસ્તી ના નહોતી પાડી. ત્યાંના દીવાન વિજયરાયના મિત્ર છે. અહીં આવે છે ત્યારે એમને ઘેર ઊતરે છે.’ લાલભાઈએ કલ્પી લીધેલી ધમકીનું મૂળ કારણ પણ શોધી કાઢ્યું. દેશી રાજ્યોના દીવાનોની મૈત્રીમાં માન લેતા અનેક મહાસભાવાદી આગેવાનો દેશી રાજ્યોના ટેકારૂપ બની રહ્યા છે એની પરાશરને ખબર હતી, અને વિજયરાય મહાસભાવાદીના ઘરમાં રજવાડાઓના બચાવની યુક્તિઓ રચતા રાજાઓ અને દીવાનો - જાહેર નહિ તો ખાનગી રાહે - ઘણી વખત રહી મિજબાની અને ઉતારાઓના આનંદ લેતા હતા. એની ચર્ચા પણ થતી પરાશરે સાંભળી