આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભસ્મનાં પડ:૧૪૩
 

રાખતાં નથી કે તેમણે તેમનાં સંસર્ગમાં આવેલા અમુક નોકરપશુઓને માણસ બનાવ્યા ? પરંતુ નોકરો પ્રત્યેના વર્તનમાં માણસાઈ હોય છે જ ક્યાં?

‘કોઈ નહિ મારે. પી જા. તને દરદ થાય છે તેમાં ચા સારી પડશે.' પરાશરે કહ્યું, અને રકાબી લગભગ સોમાના મુખમાં ખોસી દીધી. સોમો આ જુલમને વશ થયો. એકબે રકાબી સોમાને પાયા પછી પરાશર જરા ઊઠ્યો અને ક્રેકરનો ડબો લેઈ આવ્યો. સોમાએ કોઈ વાર સાહેબની રકાબીમાં વધેલું બિસ્કિટ ખાધું હશે. અને કદાચ એકબે બિસ્કિટ ચોર્યાં પણ હશે, પરંતુ તેમ કરતાં તે કદી પકડાયો ન હતો. છતાં બિસ્કિટ ખાવાનું મન તો તેને વારંવાર રહ્યા કરતું હતું; પરંતુ પરાશરે બિસ્કિટ ખાવાનું કહ્યું ત્યારે તેની જીભનો સ્વાદ ઊડી પણ ગયો. કરગરીને તેણે કહ્યું :

‘સાહેબ ! આ બધું મારે નથી જોઈતું.’ પરાશરને ખ્યાલ આવ્યો કે રિવાજના ભારણમાં દબાઈ રહેલા આ બાળગુલામને માલિકની હાજરીમાં જમવું પણ ભારે થઈ પડે છે. મહા મુશ્કેલીએ એકબે બિસ્કિટ સોમાને તેણે ખવરાવ્યાં, અને પોતાને માટે તૈયાર થયેલી ચા તેને પાઈ દીધી.

‘પણ સાહેબ ! તમે શું કરશો ?’ સોમાએ પૂછ્યું. ‘હું હાથે બનાવી લઈશ.’ પરાશરે જવાબ આપ્યો. ‘આપને સ્ટવ સળગાવતાં તો આવડતો નથી ! જગત ઉદ્ધારના કાર્યમાં ઝુકાવવાનાં રમણીય સ્વપ્ન સેવતા શિક્ષિત યુવકની સામગ્રી ઉપર આ નોકરવર્ગનો કટાક્ષ ન હતો. નોકરવર્ગને માલિકોની પરાધીનતાનું ભાન થશે તે ક્ષણે નોકરો નોકરી કરતા નહિ હોય, માલિકોના તે ભાગીદાર હશે છતાં પરાશરને આ વાક્ય તેની ખામીની પૂરી સૂચના ગંભીરતાપૂર્વક આપી શક્યું.

'તેની હરકત નહિ, ચાલ, હવે તું જા.' પરાશરે કહ્યું.

સોમો ઊઠવા ગયો, પરંતુ તેનાથી ઊઠી શકાયું નહિ. તેનો બળેલો હાથ તેને બહુ જ કમજોર બનાવી રહ્યો હતો. પરાશરે તેની અશક્તિ નિહાળી, અને એકાએક તેણે સોમાને ઊંચકી લીધો. ‘અરે, અરે, ભાઈ, ભાઈસાહેબ !’ કહેતા સોમાને ઊંચકી તેની પથારીમાં પરાશરે તેને બેસાડી દીધો.

પણ એ શું સોમાની પથારી હતી ? પાળેલાં જાનવર માટે સ્વચ્છ ઘાસ, પાથરી ખેડૂતો તેમને માટે પથારી કરે છે ! પણ સોમાની પથારી તો એ