આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૪: શોભના
 

શબ્દને લજાવતી હતી. આમલી, મીઠું, દાળ કે ચોખા ભરાઈને આવેલા કોથળાના ઘસાઈ ગયેલા એકબે ટુકડા ઉપર તે નિત્ય સૂતો હતો. પરાશરના શરીરે એ કોથળો ખૂંચી ઊઠ્યો - જાણે તે તેના ઉપર સૂતો ન હોય ! મજૂરનું જીવન સુખી કરવા ઈચ્છતા યુવકની જ નજર સામે તેના જ ઘરના એક બાળમજૂરને ચીંથરાંની ગોદડી પણ સૂવા મળતી ન હતી ! અને ઘરમાં તો ગોદડાંની થપ્પી પડી રહેલી હતી. કોને માટે ? સારા, સભ્ય, સ્થિતિપાત્ર મહેમાનો આવે તેમને માટે ? અને તે રોજ તો આવતા નહિ. લક્ષ્મીના ઢગલા એક બાજુએ થતા જતા હતા, ને બીજી પાસ ગરીબીનો વિસ્તાર વધતો જતો હતો, એમ ઘણી વખત પરાશરે પોતાનાં સ્વાધ્યાયમંડળોમાં કહ્યું હતું. આજે તેનો પ્રત્યક્ષ દાખલો પોતાના જ ઘરમાં નિહાળ્યો. ગોદડાંનો ગંજ હતો, અને ઘરનું છત્ર સ્વીકારી બેઠેલું બાળક કોથળે સૂતું હતું.

ધનવાન અને મધ્યમ વર્ગની આ નીચ હલકટ ભેદભાવનાના પરિણામે તેમનું ખેદાનમેદાન કરી નાખવા શ્રમજીવીઓ ઉશ્કેરાય તો તેમાં નવાઈ શાની ? અને તેમ કરે ત્યારે શ્રમજીવીઓની ભયાનક ક્રૂરતાને બુદ્ધિશાળીઓ વખોડવા બેસે છે ! ધનિકો અને મધ્યમવર્ગીઓની ઠંડી, દીર્ઘકાલીન, નફ્ફટ ક્રૂરતાઓના ઢગલા અને ભેદભાવનાના થરના થરનો વિચાર આવતાં ફ્રેન્ચ કે રશિયન ક્રાંતિની ક્રૂરતા ટાંકણીના માથા જેટલી પણ ન લાગવી જોઈએ !

‘ભાઈસાહેબ ! મને અહીં જ સૂઈ રહેવા દેજો. બીજે મને ઊંઘ નહિ આવે.' સોમાએ પરાશરના મનમાં ચાલતા વિચાર આછા આછા વાંચ્યા અને પોતાની મુશ્કેલી તેણે રજૂ કરી. પરાશરને પોતાનાં વસ્ત્રો ઉપર, પોતાનાં સાધનો ઉપર અને પોતાની જાત ઉપર તિરસ્કાર આવી ગયો.

‘સારી જગા સૂવાને આપીએ તે પણ તેને ખૂચે એવું નોકરમાનસ આપણે બનાવી દીધું છે !’ તેના મનમાં સોમાના વાક્યે વિચાર પ્રેર્યો. પાપ ને શોષણની વચ્ચે વહેતો માનવી શેખી કરે છે કે સહુને તારવા માટે તે તરે છે !

'સારું, અહીં સૂઈ રહેજે, પણ તને દરદ થાય તો બૂમ પાડજે.' પરાશરે કહ્યું.

દરદ થતાં બૂમ પાડવાની છૂટ નોકરને હોય છે ખરી ?

‘હા જી, સાહેબ ! આપ સૂઈ જાઓ સાહેબ !' સોમાએ માલિક તરફ તેની સાહેબી ફેંકવા માંડી.

પરાશર પોતાના ઓરડામાં ગયો. સોમાએ પીધેલાં ચાનાં પ્યાલારકાબી ધોઈ નાખવાની તેને ઈચ્છા થઈ; તેણે તે પ્રયત્ન કર્યો અને