આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભસ્મનાં પડ:૧૪૫
 

તેના હાથમાંથી રકાબી પડી ફૂટી ગઈ. પરાશરે પ્યાલાને પણ પછાડી ફોડી નાખ્યો. ખખડાટ થતાં સોમો આવશે એમ ધારી તે સોમાની બાજુમાં ગયો. આંખ લૂછતો સોમો ઊઠતો જ હતો.

‘ખબરદાર, જો તું રાતમાં ઊઠ્યો છે તો ! આટલું દાઝ્યો છે ખબર નથી ? સૂઈ રહે.’ પરાશરે કહ્યું.

ડૂસકું ખાઈ સોમો સૂતો. એના ઉપર વરસેલી કૃપા એનાથી સહન પણ ન થઈ શકી. કોઈ અવનવો ભાર સોમાની આંખને ભીની કર્યા કરતો હતો.

પરાશરની આંખ ભીની ન થઈ. તેના સુંવાળા મોજી હૃદયે વળ લીધો, અને તે એકાએક નિશ્વય કરી બેઠો. એણે પત્નીનો વિચાર બાજુએ મૂક્યો. સુખનો વિચાર બાજુએ મૂક્યો. અભ્યાસનો વિચાર બાજુએ મૂક્યો અને સવારમાં જ પિતાને જાહેર કરી દીધું :

‘મારે વિલાયત નથી જવું.’

‘એ શું ? બધું નક્કી થઈ ગયું છે ને ?'

'મને નહિ ફાવે.'

‘તારા ફાવવા ઉપર જવાનું છે કે મારા ?’

‘ભણવું મારે છે ને ? મારાથી ભણી નહિ શકાય.’ પિતાને સહજ આશ્ચર્ય લાગ્યું. માનીતો છતાં કદી સામો જવાબ ન આપનાર પુત્ર ભણવાની ના પાડે એ વિચિત્રતા તેમનાથી વેઠાઈ નહિ.

‘ભણીશ નહિ તો શું ભીખ માગીશ ?'

‘ભણીને પણ ભીખ જ માગવાની છે ને ? અહીંનું ભણતર તો પૂરું કર્યું હવે વિલાયત જઈને ભારે ભિખારી થઈ આવું એટલું બાકી છે !’

'તુ શું બોલે છે તેની મને સમજ પડતી નથી. મારી મિલકત હું તને ન આપું તો તારું શું થાય ?’

‘આપની મિલકત મારે લેવી જ નથી. અને મારું શું થાય છે તે મારે જાતે જ જોવું છે.’

‘અસહકારી બનવું છે ? તારો ડોળ અને તારું વાચન તો એવાં જ લાગે છે.'

‘એથી પણ આગળ વધવું છે. રાજાઓ, જમીનદારો અને ધનિકોને મારે નાબૂદ કરવા છે.’

‘શો પવન વાઈ રહ્યો છે ! મારા ઘરમાં રહીને એ નહિ બને.’

‘એ હું જાણું છું, અને પહેલી જ તકે આ ધનના ગ્રહણવાળા ઘરને