આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભસ્મનાં પડ:૧૫૧
 


'ગમે તેણે કહ્યું, પણ તમારે અને વહુને અણરાગ તો નથી ને ?’

‘શું તુંયે ઘેલી વાત કરે છે ?'

‘એમાં ઘેલી વાત શી છે ? અણરાગ હોય તો હું મનાવી લાવું.’

'તું?'

‘હા, વળી. આમ દુ:ખ ક્યાં સુધી ખમાય ?'

'મને કાંઈ દુ:ખ નથી.’

‘હું જાણું ને આ ઉંમરે શું થાય તે !’

‘અમે ભણેલા જુદા કહેવાઈએ.’

‘જાણ્યા હવે તમને ભણેલાને ! બધા માનવી તો ખરા ને ?’

મજૂરણ રતન કોઈ સત્ય ભાખતી હતી, નહિ ? ભણતર, સંસ્કાર, ઓપ, કેળવણી સહુ આપણા જીવનભાવોને રંગ ચઢાવતાં હશે. એ ભાવોનો નાશ કરવાની, એ ભાવોને બદલવાની, એ ભાવોને ભિન્ન સ્વરૂપ આપવાની કેટલી ઓછી શક્તિ એમાં રહી છે ?

છતાંય સંસ્કાર, ઓપ અને કેળવણી ધીમે ધીમે - અત્યંત ધીમે - એ પ્રાથમિક ભાવોને જરા જરા વાળતાં ન હોય એમ પણ છેક કેમ કહેવાય ?

‘ત્યારે જો, હું તને કહું. મારી પત્નીને હું ગમતો નહિ હોઉં.’ પરાશરે કહ્યું.

‘તમે ના ગમો ?'

‘હું જોઈએ એટલો રૂપાળો નથી.’

‘હં. જાણે રૂપમાં જ બધું આવી ગયું.’

‘કદાચ એને જોઈએ એટલું સુખ હું ન આપી શકું.'

‘રાજપાટ તો એ રાણીને નથી જોઈતાં ને ?’

‘ના; પણ ધણીનું ધણીપણું ભણેલી છોકરીઓને ન ફાવે.'

'તે તમારી પાછળ તો કૈંક ભમે છે !’

‘પણ મારી વહુ નથી ભમતી ને ?’

‘એક વખત બોલાવો તો ખરા ?'

‘એને ન આવવું હોય તો કેમ કરી બોલાવાય ?’

‘તમે તે મરદ છો કે બૈરી ? ઘસડી લાવો.'

પરાશર હસ્યો. ખુદ સ્ત્રી જ સ્ત્રી સામે જુલમ કરવા પુરુષને ઉશ્કેરે છે ! પોતાના ઉપર જુલમ થાય એ સ્ત્રીને ગમતું તો નહિ હોય ? પુરુષની ક્રૂરતા માણવાની કળા સ્ત્રીજાતિએ યુગયુગના અભ્યાસથી કેળવી છે એમ