આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભસ્મની ઉષ્મા:૧૫૫
 

તોછડાઈ, અવિવેક તથા ક્રૂરતામાં સરકારી અમલદારોને પણ નમૂનારૂપ બની જાય એવી પૂરી આશા નિત્ય નિત્ય આપતો જાય છે. પોતાની સામે કોઈ આવ્યું છે એમ જાણ્યા છતાં, એકાગ્રતાની છાપ પાડવા અને પોતાની મહત્તાનું પ્રદર્શન કરવા પ્રિન્સિપાલે થોડી ક્ષણો સુધી વાંચન ચાલુ રાખ્યું, અને અંતે વર્તમાનપત્રનું પાનું ખસેડવાને બહાને શોભનાને દીઠાનો દેખાવ કર્યો.

'મિસ શોભના ?' શોભનાના નમસ્કારનો જવાબ આપતાં પ્રિન્સિપાલે પૂછ્યું.

'હા જી.'

‘ઓ ! મને બહુ આનંદ થયો; તમારી હું રાહ જોતો હતો. તમે આવશો એવી ખબર મને પડી હતી.' પ્રિન્સિપાલે નમસ્કારથી ન રીઝતાં હસ્તધૂનન માટે હાથ લંબાવી શોભનાને પોતાનો હાથ આપવાની ફરજ પાડતાં કહ્યું. પશ્ચિમમાં સ્ત્રી પહેલો હાથ ધરે તો જ હસ્તધૂનન થઈ શકે; પરંતુ આપણી અનુકૂળતા પ્રમાણે પશ્ચિમના રિવાજમાં ફેરફાર કરવાની સરળતા આપણે હિંદવાસીઓએ મેળવી લીધી છે, એટલે આામાં અવિવેક ગણી શકાય એમ ન હતું.

‘ચાલો, હું તમને આપણી સંસ્થા બતાવું. તમારે શું શીખવવું તેનો આપણે પછી વિચાર કરીશું.' પ્રિન્સિપાલે કહ્યું. અને પ્રિન્સિપાલપણું ખસી ન જાય એવી ઢબે ઊઠી તેમણે શોભનાને સાથે લીધી.

એક વર્ગમાં નાનાં બાળકોને ગમ્મત સાથે જ્ઞાન આપતા એક શિક્ષક જાતે ગોઠીમડાં ખાઈ બાળકોને પણ એ સત્કાર્યમાં પ્રેરતા હતા. એ વિષયમાં બાળકોનું જ્ઞાન શિક્ષક કરતાં વધી ગયેલું હતું. એટલે બાળકોને એવો જ કોઈ બીજો પદાર્થપાઠ આપવા ઈચ્છતા શિક્ષક, બાળકોને રોકવા નિષ્ફળ પ્રયત્ન કરતાં જૂની સોટીનું સ્મરણ કરી ઝૂરતા અને ઝઝૂમતા હતા.

‘તમે જાણો છો કે બાળકોના શિક્ષણની સ્વાભાવિકતાથી જ શરૂઆત થવી જોઈએ. આનંદ એ શિક્ષણનું મુખ્ય તત્ત્વ છે.' પ્રિન્સિપાલે નવું શિક્ષણશાસ્ત્ર સમજાવ્યું, અને ગુલાંટો સાથે ઝેર ખાવા ઈચ્છતા બેજાર શિક્ષક અને આનંદભર્યા બાળકો વચ્ચેના સંબંધનું રહસ્ય ઉકેલ્યું.

બીજા વર્ગમાં એક શિક્ષિકા વચમાં બેસી બાળકબાળકીઓની પાસે એક ગીત ગવરાવતાં હતાં. એ વર્ગનું શિક્ષણ ગીતમાં અપાતું હતું એ ખાતરીપૂર્વક સમજવા માટે થોડી ક્ષણો ત્યાં વિતાવવી પડે એમ હતું. વાંદરાં અને ચકલીઓનાં સંવાદનું એક બાળગીત વર્ગમાં ગવાઈ રહ્યું હતું. સ્વાભાવિક રીતે શિક્ષકોએ પાત્રોનું વર્ગીકરણ કર્યું હતું. બાળકોને વાનર