આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભસ્મની ઉષ્મા:૧૬૯
 


તેને સ્વતંત્ર આજીવિકા પણ મળી - જોકે માસિક પંચોતેર રૂપિયા તેને મળશે કે સો તે હજી નક્કી થયું ન હતું. એકસામટા પંચોતેર રૂપિયા તેના હાથમાં આવીને પડે એવો અનુભવ તેને પહેલો જ થવાનો હતો. બે વધારાની ઓરડીઓ ભાડે લઈ શકાશે, થોડાં સારાં ચિત્રો વસાવી શકાશે. કપડાંમાં પણ સહજ વિવિધતા લાવી શકાશે. અને માતાપિતાને માથેથી ભારણ જતાં તેમને થોડીઘણી સહાય કરવા જેવી પણ સ્થિતિ ઊભી થશે. મોટરકાર કે ગાડી રાખવાનાં સ્વપ્ન પાપભર્યાં ગણાય, પરંતુ હવે ભાડાની ગાડી કે બસની મુસાફરી કરતાં મનને પ્રથમ થતો તેવો સંકોચ તો નહિ જ થાય.

વિદ્યાર્થીઓમાં પ્રિય થવાય અને શિક્ષણ સરસ અપાય તો પગાર જલદી વધે પણ ખરો, અને સમય જતાં પ્રિન્સિપાલની ખુરશી ઉપર પણ બેસવાની તેને તક શા માટે ન મળે ? જો એ તક મળે તો આખી શાળાને સ્વર્ગીય બનાવી દેવાની વાંચ્છના તેને થઈ આવી.

તેને ગાવાનો શોખ ન હતો. છતાં તેનાથી ગવાઈ જવાયું. બહારથી માતાનું હાસ્ય સંભળાયું. બરાબર રાગઢાળ સાથે ન ગાઈ શકતી પોતાની પુત્રીના ગીત પ્રયત્નોને જયાગૌરી સદાય હસી કાઢતાં હતાં. પોતાની પૂર્વઆવડત હજી એવી ને એવી જ છે એમ જયાગૌરી માનતાં.'

શોભનાએ ગીત બંધ રાખ્યું ત્યારે વગરગવાયે બોલાતી અંગ્રેજી કવિતાઓની કડીઓ તેના હૃદયમાં ઊભરાવા લાગી. હૃદય અને જિહ્વા વચ્ચે ક્યાં વધારે છેટું હોય છે ? શોભના કવિતાના ટુકડા ઉચ્ચારવા લાગી.

કૈંક નવીન સ્ફૂર્તિ તેના દેહમાં અને તેના જીવનમાં ચમકી રહી હતી.

હવે અભ્યાસનાં પુસ્તકોમાં ગૂંથાઈ રહેવાને બદલે તે મનગમતાં પુસ્તકો વાંચી શકશે; કેટલાંક ખરીદી પણ શકશે. ઉત્તમ પુસ્તકો પાસે હોય એના જેવો આનંદ બીજો કયો હોઈ શકે ?

‘શાં આ તમારાં ચિત્રો છે ? હવેની દુનિયામાં લાજ કે શરમ રહ્યાં જ નથી.’ જયાગૌરીએ શોભનાની ઓરડીમાં આવી શોભનાના મેજ ઉપર નવા ચિત્રસંગ્રહને મૂકતાં કહ્યું. જયાગૌરીએ પણ અણગમો દેખાડ્યો છતાં ચિત્રો ધારી ધારીને જોયાં ન હતાં એમ કહી શકાય નહિ. તેઓ છેક જૂના જમાનાની ધર્મઘેલછાવાળાં ન હતાં, એટલે તેમને એમ કહેવાય એવું ન હતું કે ગોપીનાં વસ્ત્રહરણનું દૃશ્ય ચિત્રોમાં ક્યારનું ઊતરી ગયું હતું, અને જગન્નાથપુરીના વૈષ્ણવ દેવાલય કે નેપાળમાં પશુપતિના શિવાલય ઉપરનાં કોતરકામમાં ચિરંજીવી બનેલાં મિથુનદૃશ્યો જેટલી હદે આ ચિત્રો ગયેલાં