આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૨: શોભના
 


‘બહેન ! એ હવે બચી જવાનો. પરમેશ્વરે જ અવતાર લીધો અને એને રાક્ષસોથી છોડાવ્યો !’

‘શું ? જરા ચમકીને શોભના બોલી. એ પરમેશ્વર તથા રાક્ષસ બેમાંથી કોઈને માનતી ન હતી. આવો સીધો અવતાર લેનાર પરમેશ્વર તેના માનસને આંચકો આપી રહ્યો.

‘તમે જોયા નહિ ? એ તો પગ ધોઈ પીએ તોય....’

'ડૉક્ટરની વાત કરે છે ?'

‘દાક્તરે બહુ સારા; પણ એ દાક્તરને બોલાવી લાવવા એક માબાપ ન કરે એટલી ચાકરી કરવી; એ કોણ કરે ? આજ તો ભાઈ ભાઈ કપાઈ મરે છે, ત્યાં આ પારકું માનવી જીવતદાન આપે એ પરમેશ્વર નહિ તો બીજું કોણ?’

‘જેમાં તેમાં પરમેશ્વર ! જયરામને પૈસા આપ્યા. તેમની વાત તું કરે છે?'

‘એ તો કાંઈ ખબર નથી, પણ ધોળી ખાદી પહેરેલી. અને બહેન ! શું કહું ? મારી રડતી ભોજાઈને રસોઈનાં લાકડાં પણ સળગાવી આપ્યાં !’

બહારથી જયાગૌરીનો સાદ આવ્યો :

‘પાછી વાતોએ વળગી કે, ચંચળ ! મોડાં આવવું અને બહાનાં કાઢવાં ! ચાલ, કામે લાગ.'

શોભનાને ચંચળ ગમતી હતી. તેની સાથે વાતચીત કરવામાં તેને સ્વાભાવિકતા લાગતી, પિતા અને માતાની સાથે તો શી વાત થાય ! ભણતર, સામાન્ય રાજકારણ, ચોપાનિયામાં આગળ આવતાં નામોની સહજ નિંદા કે સ્તુતિ એ સિવાય ભાગ્યે જ કાંઈ વાત હોઈ શકે. માતા પુત્રીના હૃદયને ઉઘાડી જેવા કવચિત્ મથે અને મૈત્રીની કક્ષા ઉપર કોઈ ક્ષણે ઊભી રહે; પરંતુ અભણ માતાપુત્રી વચ્ચે જેટલી નિકટતા રહે તેટલી નિકટતા એક ભણેલી, સંસ્કારી, આગળ પડતા સ્વતંત્ર વિચારો કરનારી પુત્રી અને આગળ વધતાં એકાએક જડ બની અટકી ગયેલી, રૂઢિને તોડવાનો ક્ષણિક આનંદ લઈ બીજી ક્ષણે રૂઢિને વળગી પડેલી માતા વચ્ચે ભાગ્યે જ જામે. અભણ માતા કાં તો પુત્રીને જીવ જેટલી જાળવે કે રૂઢિને. પુત્રીને માટે તે રૂઢિને તોડી ફેંકી દે, અગર રૂઢિવશ હોય તો રૂઢિ ખાતર પુત્રીને જીવતી બાળી મૂકતાં અચકાય નહિ. એટલે તેમના પ્રેમ અને ઝેરમાં ચોખ્ખાઈ જ જણાઈ આવે પરંતુ સંસ્કાર - ભણતર - પ્રગતિ નો પાસ લાગતાં પ્રેમના કાયદાકાનૂનો રચાય અને રૂઢિ રૂપાળી બની આંખો ઝંખવી