આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભસ્મની ઉષ્મા:૧૭૯
 

પ્રકુલ્લ હતાં, કનકપ્રસાદ જરા ઝંખવાઈ ગયેલા જેવા અસ્થિર લાગતા હતા, અને શોભનાના હૃદયમાં આછો ગર્વ હતો. પાછળ બેઠેલી શોભનાના સામીપ્યથી ભાસ્કરની રસવૃત્તિ રીઝતી હતી.

રસ્તામાં કાર એકાએક અટકી ગઈ. સહુએ બહાર જોયું તો એક મોટું વ્યવસ્થિત ટોળું હાથમાં વાવટો, મુદ્રાલેખનાં તોરણો અને મોટાં મોટાં સૂત્રપાટિયાં લઈ બૂમો પાડતું આગળ આવતું હતું. જયાગૌરી જરા ભય પામ્યા. બીવું, ચમકવું, આંખે હાથ મૂકી દેવો, કલામય ચીસ પાડવી એ વર્તમાન યુવતીગુણો જયાગૌરીમાં પૂરા ખીલ્યા ન હતા કારણ એ પૂરી ખિલાવટ માટે તેઓ પંદરવીસ વર્ષ પહેલાં પડી ગયાં હતાં. એટલે તેમણે પૂછ્યું:

'હાય બાપ ! શું છે ? પાછું કાંઈ હુલ્લડ થવાનું ?’

‘એ તો પેલા હડતાળિયાઓ લાગે છે. હું તને વર્તમાનપત્રોમાં નહોતો વાંચી સંભળાવતો ?’ કનકપ્રસાદે કહ્યું.

‘બહુ લાંબી વાત ચાલી. હજી હડતાળ શમી નથી ?’

‘શમે શાની ? એમાં મોટા મોટા માણસોનો હાથ છે.' કનકપ્રસાદે હડતાળ લંબાયાનું કારણ આપ્યું.

‘મોટા માણસો તો કોણ જાણે; પણ સાહેબ ! એમાં અમારા જેવા નાના માણસોનો હાથ ખરો.' ભાસ્કરે કહ્યું.

'મેં તમારી ચર્ચા વાંચી હતી અને તમારાં ભાષણો પણ વાંચ્યાં હતાં.'

‘મારી વિરુદ્ધનું લખાણ પણ વાંચ્યું હશે, નહિ ? હસીને ભાસ્કરે કહ્યું.

‘હા; પણ તમારી બાજુ ખોટી લાગતી નથી.’

‘હું તો કાલથી શોભનાને પણ અમારી સભાઓમાં લઈ જવાનો છું.’

‘ના ભાઈ સાહેબ, અંહ ! એને તો એનું કામ કરવા દેજો. બૈરાંએ ધાંધળમાં પડીને શું કરવાનું ?’ જયાગૌરીએ કહ્યું.

‘જુઓ, આ ટોળામાં સ્ત્રીઓ પણ છે.' ભાસ્કરે કહ્યું, અને તે કારનું બારણું ઉઘાડી નીચે ઊતર્યો.

‘ઈન્કિલાબ ઝિંદાબાદ !' ટોળાએ પોકાર કર્યો. ભાસ્કરે અત્યંત લાલિત્યભરી છટાથી રૂમાલ ઉછાળી પડઘો પાડ્યો :

‘ઈન્કિલાબ ઝિંદાબાદ !’ ટોળું ભાસ્કરને ઓળખતું લાગ્યું. ટોળાએ વધારે શોરથી પુકાર ઝીલી લીધો અને તેમાં થોડો ઉમેરો પણ કર્યો :