આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ચિત્ર પૂરું થતાં બરોબર આખા નાટ્યગૃહમાં વાત ફેલાઈ કે શહેરમાં ફરી પાછું ખૂનખાર હુલ્લડ ફાટી નીકળ્યું છે. મજૂરોની હડતાળમાંથી હુલ્લડ જલદી ફાટી નીકળે એવી ભાસ્કરની માન્યતા તો હતી જ. અણવિકસિત મજૂરો જલદીથી લાગણીવશ થાય છે, અને ઉશ્કેરાઈને જોતજોતામાં ન કરવાનું કરી નાખે છે, પોલીસે લાઠીમાર માર્યો હોય, કે સરઘસ રોકવ્યું હોય તો હડતાલિયાઓ સહજ ઉશ્કેરાઈ જાય; અને આ જ તો હડતાલ વ્યવસ્થિત રીતે ચલાવી રહેલો પરાશર પણ ઉશ્કેરાઈ ગયો હતો. કાંઈ પણ નિર્ણય લાવવા ખાતર બળની-તોફાનની-અજમાયશ તેણે જરૂર થવા દીધી હોવી જોઈએ.

આમ ધારી રહેલા ભાસ્કરે શોભના, કનકપ્રસાદ અને જયાગૌરીને સલામત પહોંચાડવાની તજવીજ કરી. હિંદુઓની નામર્દી એકેએક કોમી તોફાનમાં સાબિત થાય એવી હોય છે, અને એથી આગળ વધતાં હુલ્લડનું નામ સાંભળી વીજળીની ઝડપથી બારીબારણાં બંધ કરી બેસનાર ગુર્જરવીરોની અહિંસા ક્ષણ માટે પણ ઓસરતી નથી એ હુલ્લડોના ઈતિહાસલેખકનું પહેલું જ મંતવ્ય બની જાય છે. ‘આગે લાત ઔર પીછે બાત’ની કીર્તિ કમાઈ ચૂકેલો ગુજરાતી હજી એ કીર્તિભંડાર સાચવી રહેલો - નહિ. એ ભંડારને વધારી રહ્યો છે એમાં જરાય શક નથી. તેમાં ગાંધીજીએ અહિંસાનો આશ્રય આપ્યો; એટલે કાબુલી, ઈરાની જેવા પરદેશીનું નામ તો કોઈ ગુજરાતી ન જ લે, પરંતુ કોઈ પુરભૈયા કે પંજાબીની પકડમાં તે આવ્યો હોય અગર કોઈ દક્ષિણી કે ગુરખાએ તેને ઝાલ્યો હોય તો મહાત્મા ગાંધીના બેનમૂન સ્મિત અને નમસ્કારનું અનુકરણ કરી, તે અહિંસાનો ફેલાવો કરવા પોતાની જિંદગી બચાવી લે છે. ઈતિહાસકારો તપાસ કરે તો તેમને જણાઈ આવશે કે હિંદુસ્તાને આપેલી ખંડણીનો મોટો ભાગ ગુજરાતે જ ભરેલો હશે. હજી પણ પડોશહક્કને બહાને, ધર્મને નામે, અપ્રાન્તીયતાનો યશ કમાવાના ઢાંકપિછોડા નીચે તે એક અગર બીજા રૂપમાં પર પ્રાંતોને ખંડણી આપ્યો જ જાય છે. ગુજરાતી જન્મે છે જ ખંડિયો !

અપવાદ નિયમને દૃઢ કરે છે. ભાસ્કર અહિંસામાં માનતો ન હતો, છતાં યુદ્ધમાં પણ માનતો ન હતો. તેને ભય લાગતો નહિ. મોટરકારની ઝડપ, તેનો અને તેના પિતાનો શહેરપરિચય અને પિતાનું અગ્રસ્થાન તેના