આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભસ્મની ઉષ્મા:૧૮૯
 

મિત્રયુવતીઓને પ્રસન્ન રાખવા પ્રયત્નશીલ થતો હોય તો ? એક ક્ષણ શોભનાને વિચાર થઈ આવ્યો.

એટલામાં જ તેનું ઘર આવ્યું. શાંતિથી તે નીચે ઊતરી. તેનાં માતાપિતા બારણાં બંધ કરી સૂઈ ગયાં હતાં. સીડી બહારથી ખુલ્લી પડતી હતી અને તે ઉપર ચડી છજામાં થઈ શોભનાની નવી ઓરડીમાં સીધાં જવાતું હતું એટલે કોઈને જગાડ્યા વગર તે ઘરમાં જઈ શકે એમ હતું. ઘર સુધી પહોંચાડવા આવેલા ભાસ્કરે શોભનાનો હાથ ખેંચી હસ્તધૂનન કર્યું. સાથે જ ઊતરેલી રંભાએ તે જોયું અને તેને હસવું આવ્યું.

રંભાનું હાસ્ય મુક્ત અને સુંદર હતું. કેટલીક વ્યક્તિઓનાં હાસ્ય સાંભળવા ગમે છે. શોભનાએ સીડી ચડી છજામાંથી પાછળ જોયું. હસ્તી રંભાનો હાથ પકડી ભાસ્કર કાર તરફ જતો હતો. શોભનાને એ દૃશ્ય ગમ્યુ કે નહિ તેની તેને સમજ પડી નહિ. આવા મૂંઝવણના પ્રસંગે તેના હૃદયમાં દુખાવો થઈ આવતો હતો. તેણે દુખતી જગાએ અંગૂઠો મૂકી જોયો; દુઃખ પકડાયું નહિ. માતાપિતા સૂઈ ગયેલાં હતાં એમ બંધ બારણાના અંધારા ઉપરથી શોભનાએ માની લીધું. છજામાં થઈ વધારાની લીધેલ પોતાની ઓરડી શોભનાએ ધીમે રહીને ઉઘાડી અંદર દીવો કર્યો.

‘શોભના ! જાગે છે ?' પાસેની ઓરડીમાંથી જયાગૌરીએ પૂછ્યું.

'હા.'

‘મધરાતે તો જરા સૂઈ રહે ! કોઈની કાર અહીંથી ગઈ કે શું ?' કારના શોખમાંથી કારની ભ્રમણા પણ ઉત્પન્ન થાય છે. અહીં તો એ યાંત્રિક વાહને તેમની ઊંઘ હલાવી નાખી હતી.

‘હા, એ જ જોતી હતી.' શોભનાએ યુધિષ્ઠિરનું સત્ય ઉચ્ચાર્યું, અને સિનેમાચિત્ર વડીલોમાં કેવા કેવા ભાવ ઉત્પન્ન કરતું હશે તેની કપડાં બદલતાં કલ્પના કરવા લાગી.

પરંતુ એણે તો ચિત્ર જોયું જ નહોતું. તેની આંખ ચિત્રપટ ઉપર હતી. છતાં એ આંખ બીજું ચિત્ર જોતી હતી.

એ કયું ચિત્ર હતું ? તેનું પોતાનું જ. શોભનાએ આયનામાં જોયું. ચિત્રની નાયિકા કરતાં તે પોતાને ઓછી સુંદર ન લાગી. તે એકલી હતી. કપડાં બદલતાં તેણે પોતાનાં ઉત્તમાંગોને નિહાળી જોયાં. નાયિકાનાં કપડાં બદલાવી, હસાવી, રડાવી, નવરાવી, સુવાડી, હીંચકે ઝુલાવી, નચાવી, પૂજનના ભાવમાં ઉતારી