આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભસ્મની ઉષ્મા:૧૯૭
 

પિતાને પૂછ્યું.

‘ના.’ વર્તમાનપત્રમાંથી મુખ કાઢી પિતાએ કહ્યું.

'કારણ ?'

‘બૈરાંને એમાં બેસવાની બંધી છે.'

‘બૈરાંને શું શું કરવાની બંધી નથી એ કોઈ કહેશે ?' શોભનાએ કટાક્ષમાં પૂછ્યું.

‘હવે તું સાંભળ તો ખરી તારી મા શું કહે છે તે પછી ચર્ચા કરજે.'

‘પણ વિલાયતમાં તો એવું કે...' માતાએ કહ્યું. પરંતુ આખો ભાવ કયા સ્વરૂપે મૂકવો તે તેમને પ્રથમ સમજાયું નહિ અને તે અટક્યાં. એનો લાભ લેઈ શોભનાએ કહ્યું :

'મનેયે વિલાયત જવું બહુ ગમે.'

‘છોકરાઓથી તો જવાતું નથી ત્યાં છોકરીઓનો શો સવાલ ?’

‘એમ કેમ ?'

‘અહીંથી પરણ્યા વગર છોકરાઓ જાય ને... તો ત્યાં... ને... ત્યાંની વલકુડી છોકરીઓ... એવા છોકરાઓને પરણી જાય છે.'

'તે તેમને મન હોય તો ભલે પરણે ! એમાં કોઈને શું ?’ શોભનાએ દલીલ કરી.

'તું સમજતી નથી. આપણા લોકમાં તે એવી મડમો સમાય ખરી ? શાક સમારવું, રસોઈ કરવી, મહેમાનોની કાળજી રાખવી એ બધું મડમોને ન ફાવે.'

'તે વિલાયતમાં આ બધું નહિ કરતાં હોય ?’

‘અહીંની અને ત્યાંની ઢબ જુદી ને ! ત્યાં તો હોટલોની સગવડ હોય. પૈસા ઘણા હોય એટલે આપણી રહેણી તેમને અનુકૂળ ન આવે !’ પિતાએ વાદવિવાદમાં ભાગ લીધો.

'હં. પણ તેનું છે શું ?' શોભનાને વાતનું હાર્દ હજી સમજાયું ન હતું.

‘એ છોકરાને પરણાવ્યા સિવાય વિલાયત જવા દેવાનો નથી.' જયાગૌરીએ કહ્યું.

‘તે એમને ફાવે એમ કરે ! આપણે શું ?' શોભનાએ પૂછ્યું. અને માતાપિતા બંને ખડખડ હસી પડ્યાં. શોભના ખરેખર સમજતી ન હતી કે માત્ર ન સમજવાનો દેખાવ કરતી હતી તેની માતાપિતાને સમજ પડી નહિ. બહુ દિવસે આટલું મુક્ત હાસ્ય કરતાં માતાપિતાને નિહાળી શોભના પણ પ્રફુલ્લ બની. એણે પણ સ્મિત કર્યું.