આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભસ્મની ઉષ્મા:૧૯૯
 

દક્ષ સેનાધિપતિની કુશળ વ્યૂહરચનાને યાદ કરાવે એવી યુક્તિથી ઘરનાં વડીલોએ એ પ્રયત્નોને નિષ્ફળ બનાવ્યા હતા. વિલાયત જઈ ત્યાંની કોઈ યુવતીના મોહપાશમાં પુત્ર ન સપડાય એ ખાતર હિંદી યુવતીને ગળે પુત્ર બંધાવી રહેલાં વડીલો એ યુવતીનો મોહ પુત્રને ન ઊપજે એવી સતત પેરવીમાં જ પડેલાં રહે છે ! શોભનાને પણ પતિ સાથે થોડી ક્ષણ એકાંત મેળવવાની ઈચ્છા - તીવ્ર ઇચ્છા હતી જ; પરંતુ હિંદુ-સમાજરચના પુત્રવધૂને પુત્રની મોહિનીને બદલે સાસરિયાંનો શિકાર બનાવવાની વધારે જોગવાઈ રાખે છે.

ચણચણતા હૃદયે પાછી ફરેલી શોભનાને એ દિવસ હજી યાદ આવતો. પરંતુ આજ પણ કંપાવી જતો પેલો પ્રથમ પત્ર મળ્યાનો દિવસ ! પતિનો પત્ર તેનાં માતાપિતાએ તેના મેજ ઉપર મૂક્યો હતો. એણે ધાર્યું કે એ પત્ર તેના પતિનો જ હોવો જોઈએ. ધડકતે હૃદયે - કોઈ પત્ર વાંચતાં પોતાને ન જુએ એની ચોક્કસાઈ કરીને શોભનાએ પત્ર વાંચ્યો. કેટલી વાર? એને યાદ ન હતું, પરંતુ શોભના એ પત્ર અગણિતવાર વાંચી ચૂકી. એ પત્રવાચનનો તેને આછો નશો પણ ચડ્યો હતો; તે કામમાં ભૂલ કરતી હતી. સમયનું તેને ભાન રહ્યું ન હતું; શાળામાં તેનું ધ્યાન અભ્યાસમાંથી ખસી જતું હતું. તેના શિક્ષકોને સહજ નવાઈ પણ લાગી. તેની બહેનપણીઓએ તો તેને પૂછવું પણ ખરું કે :

‘શોભના ! તારું ભાન આજે ક્યાં છે ?’

જ્યારે જ્યારે તે એકલી પડતી ત્યારે ત્યારે તે કાગળ કાઢી વાંચ્યા કરતી. રાત્રે સૂતા પહેલાં પણ અનેક વાર તેણે એ પત્ર વાંચી લીધો. પત્રવાચનને લીધે તેનાથી નિયમિત સમયે સુવાયું પણ નહિ અને સૂતા પછી તેને નિદ્રા પણ આવી નહિ. કેવો વહાલભર્યો એ પત્ર હતો ! ખરેખર, પ્રથમ પત્રમાં લખ્યા પ્રમાણે પુરુષો સ્ત્રીઓને ચાહતા રહે તો જીવન સ્વર્ગ બની જાય ! લગ્નની બીક યુવતીઓને ઓછી લાગે, અને સ્ત્રીસ્વાતંત્ર્યનો પ્રશ્ન વધારે ઉગ્ર ન બને !

એ પત્રનો જવાબ વળતી ટપાલે માગવામાં આવ્યો હતો ! એટલું જ નહિ, કવર લાવવાની હરકત ન પડે એ માટે પત્ર સાથે જ શિરનામું લખેલું કવર પણ રાખ્યું હતું. પહેલો દિવસ તો પત્ર વાંચવામાં જ વીતી ગયો ! જવાબ લખવાનો ખ્યાલ પણ પ્રથમ દિવસે આવ્યો નહિ, અને બીજે દિવસે શો જવાબ લખવો તેની શોભનાને સમજ પડી નહિ.

પહેલા પ્રેમપત્રની મૂંઝવણ એ જિંદગીની મોટામાં મોટી મૂંઝવણ હોય છે; એ દિવસો પણ શોભનાને યાદ હતા. ત્રણ દિવસે એ એક જવાબ લખી