આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮: શોભના
 


'શું ખોટું ! સહુએ પોતપોતાના પગ પર ઊભા રહેવું જ જોઈએ ને? કનકપ્રસાદે વધારે પ્રગતિમાન વિચાર દર્શાવ્યો.

શોભનાએ આ વાદવિવાદમાં ભાગ લીધો નહિ. વાદવિવાદ વગર વહેતા સમયના પ્રતીક સમી શોભનાએ જ્યાં જ્યાં અવ્યવસ્થા લાગી ત્યાં ત્યાં ગોઠવણ કરી દીધી. અને ત્રણ જણે જમી વાંચવાનું શરૂ કર્યું. ભણેલી સામાન્યતાને સમય વિતાવવામાં વાચન ઉપયોગી થઈ પડે છે. જયાગૌરીએ સિનેમાની નટીઓનાં ચિત્રો અને પરિચયવાળું એક છાપું અણગમો બતાવી હાથમાં લીધું; કનકપ્રસાદે અંગ્રેજી છાપું હાથમાં લીધું. ગુજરાતી છાપાં એ કચરો છે એવી તેમની યુવાનીની માન્યતા ઘસાઈ ગયેલી છતાં જીવતી હતી. શોભના પોતાના અભ્યાસની ઓરડીમાં ગઈ.

અભ્યાસની ઓરડી એ તેની બેઠકની ઓરડી તેમ જ સૂવાની ઓરડી હતી. એમાં એક પાસ ચોપડીઓ ગોઠવેલી હતી; સાદી પણ સ્વચ્છ શેતરંજી અને ગાદી એ તેને અને તેની બહેનપણીઓને બેસવાનું અને વાતો કરવાનું સ્થાન હતું. નાનું મેજ અને બે ખુરશીઓ એ તેનાં લેખનસાધન હતાં, અને બારી પાસેનો ખાટલો એ તેનું નિદ્રાસ્થાન હતું. કનુ દેસાઈના ચિત્રની એક સ્ત્રીપ્રતિકૃતિ નૃત્યભાવ દર્શાવતી તેના મેજ ઉપર મૂકેલી હતી; ગાંધીજી અને ટાગોરની છબીઓ સાથે જ ભરાવેલી હતી; બાજૂમાં એક સિનેમા નટીની અર્ધનગ્ન છબી અને રુડોલ્ફ વેલેન્ટીનો તથા શેવેલિયરની છબીઓ પણ લટકાવેલી હતી. ખાટલાની બાજુમાં એક મોટો આયનો પણ દેખાતો હતો; તેની ઉપર જક જૉન્સન સરખા મુક્કાબાજની અને હૉબ્સ તથા દુલીપસિંહ સરખા ખેલાડીઓની પણ છબીઓ ગોઠવેલી હતી.

શોભનાએ ઓરડીમાં જઇ નર્તકીની છબી જોઈ, વેલેન્ટીનો તરફ દૃષ્ટિ ફેંકી. આયના પાસે જઈ પોતાનું મુખ નિહાળ્યું તથા સમાર્યું. વાળની એક લટ નીચી ઉતારી. લૂગડાને વધારે ખૂલતું કર્યું અને નર્તકીના સરખી અંગુલિમુદ્રા બનાવવાનો પ્રયત્ન કર્યો. તેને સહજ હસવું આવ્યું; હાસ્ય તેને મધુરું લાગ્યું; એ હાસ્ય સતત મુખ ઉપર ચાલુ રહે તો કેવું દેખાય તે તેણે હાસ્યને લંબાવી જોયા કર્યું. સતત હસતાં મુખ સર્વદા સુંદર લાગતાં નથી એવી એની ખાતરી થઈ; એટલે આડી આંખે હાસ્ય વગરનું મુખ જોયું. અને તેને સ્મૃતિમાં રાખી મેજ પાસે ચાલી ગઈ. પોતાનું મુખ પોતાને ભાગ્યે જ યાદ રહી શકે છે. તેને વિની અને તારીકાનાં મુખ યાદ આવ્યાં. બંને બહુ સોહામણાં હતાં. અને ભાસ્કરનું મુખ ?

શોભનાએ વેલેન્ટીનોની છબી તરફ પાછી નજર કરી. તેને લાગ્યું કે ભાસ્કર અને વેલેન્ટીનોના મુખમાં કંઈ ન સમજાય એવી સામ્યતા હતી.