આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૬: શોભના
 

શોભના શું પાછી રડતી હતી ? અને... પેલી ... રતન પણ રડતી હતી... કુમાર કેમ...આંખ લૂછે... છે.... સોમો કેમ ડૂસકે... ભરાયો... છે ? અને આખી ઓરડી કેમ આંસુ ઢાળે છે !

જગતમાં શું સંવાદ પાછો જાગ્યો ? ખારા દરિયામાં મીઠા પાણીના ફુવારા ફૂટવા માંડ્યા ? માનવીના જગતમાંથી પળવારને માટે પણ ખૂની રાક્ષસ અદૃશ્ય થયા ? પળ એ સનાતનનો અણુ ! પળમાં જ બન્યું તે સદાય કેમ ન બને ?

સામ્યવાદને પ્રેમનાં - સ્નેહનાં આંસુનું સિંચન થાય તો તે વહેલો ન ફળે ?

પરાશરે ધીમે રહી હાથ ઊંચક્યો, અને પોતાને ટેકવી બેઠેલી શોભના ઉપર વીંટ્યો.

પરાશરના મુખ ઉપર ન પહોંચી શકતું સ્મિત હવે ત્યાં પહોંચ્યું. સ્મિતભરી શાંતિ સહ તેણે આંખ મીંચી.

જગતમાં સંવાદનું તત્ત્વ છે ! સંવાદ ઉપર માનવરચના થઈ શકે છે! એવી શ્રદ્ધા સહ આાંખો મીંચી સૂતેલો પરાશર જીવ્યો કે નહિ એવી પૃચ્છા કરવાની જડતા કોણ બતાવે ? એ શ્રદ્ધાની ક્ષણ ચિરંજીવી જીવનરૂપ છે. જીવનમાં એથી વધારે સુખ, એથી વધારે સત્ય, એથી વધારે સૌંદર્ય ક્યાં મળી શકે ?

બાકી ખાલી જીવન અને ખાલી મૃત્યુનાં મહત્ત્વ શાં ?


•••