આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જ્વાળામુખી:૨૭
 

પથરાઈ ગઈ હતી. કિશોર વયમાં બૉમ્બ બનાવતાં પકડાયલા કનકપ્રસાદ, કૉલેજમાં હડતલો પડાવી પ્રિન્સિપાલના રોષને પીઈ જનાર કનકપ્રસાદ આજે ના કહેવાની શક્તિ ખોઈ બેઠેલું નિર્માલ્ય માનસ ધરાવતા થઈ ગયા હતા. ધનપ્રાપ્તિ એ આવડતનું પરિણામ ગણાય છે, બંગલો એ ડહાપણના પ્રતીક સરખો મનાય છે, મોટરકાર એ માનવીની દક્ષતાનું ફળ લેખાય છે. ધન, બંગલો અને કાર એ ત્રણે મેળવવા માટે ઝૂઝતા કનકપ્રસાદે જીવનમાં જોઈ લીધું કે તેમનામાં આવડત નથી, ડહાપણ નથી અને દક્ષતા નથી. નિષ્ફળતા સામે વારંવાર અથડાઈ પડતાં તેમણે અભિલાષાઓ અને આકાંક્ષાઓને હળવી બનાવી દીધી. કૉલેજજીવનમાં સ્વરાજ્યના સૈન્યની આગેવાની ઈચ્છતા કનકપ્રસાદ શિષ્યોના વાર્ષિક ઓળખાણ ઉપર સલામો મેળવતા સામાન્ય શિક્ષક બની ગયા. અધિકારીઓને ઉથલાવી પાડવાની યોજના ઘડતા યુવક કનકપ્રસાદ આધેડ વય આવતાં તો સહુને રીઝાવવા મથતા ધન, બંગલા અને કારથી અંજાઈ જતા સામાન્ય માનવી બની ગયા. મોટા માણસને - મોટા માણસના પુત્રને ના કેમ કહેવાય ?

'આપની મરજી હોય તો ભલે, બાકી જરૂર નથી.' કનકપ્રસાદે કહ્યું.

'તમે જાઓ, હું પાછળથી આવું છું.' શોભનાએ કહ્યું.

'કેમ ? એમ શા માટે ? કયું કામ છે ?' શોભનાનું માનસ ન સમજી શકેલા કનકપ્રસાદે પૂછ્યું.

'હવે ચાલો, ચાલો; બહુ મોંઘા ન થશો. કાર ઘસાઈ નહિ જાય.' ભાસ્કરે કહ્યું.

ભાસ્કરની વિવેકી લઢણ વિરોધને પણ બાજુએ મુકાવે એવી હતી. વળી ઘણી ના કહેવામાં પણ કશો અર્થ શોભનાને દેખાયો નહિ; જોકે રાતનું સ્વપ્ન ટુકડે ટુકડે જાગ્રત થતું હતું. જયાગૌરીનો પરિચય થયા બાદ ભાસ્કરે બાપ અને દીકરીને પાછલી બેઠકમાં બેસાડ્યાં. શૉફરને બાજુએ બેસાડી તેણે જાતે કાર ચલાવવા માંડી. વાંકવળાંક આવતાં છટાબંધ હાથ આગળપાછળ કરતા ભાસ્કરને માટે કનકપ્રસાદને માન ઉત્પન્ન થયું. માત્ર તેમને એક અસંતોષ ઊપજ્યો. ભાસ્કરની આવી આકર્ષક આવડતમાં પોતે આપેલા શિક્ષણનો કશો પણ ભાગ આવતો દેખાયો નહિ.

કનકપ્રસાદને શાળામાં ઉતારી દીધા પછી ગાડી ચલાવવાનું કામ શૉફરને સોંપી ભાસ્કર શોભના સાથે બેસી ગયો. વર્તમાન કેળવણીની માફક વર્તમાન ગાડી પણ સ્પર્શાસ્પર્શના ભેદને ભુલાવી દે છે એમ ભાસ્કરના બેઠા પછી શોભનાને લાગવા માંડ્યું; પરંતુ ભાસ્કર જાણી જોઈને અડકવા મથતો હોય એવું એક પણ ચિહ્ન દેખાયું નહિ. ભાસ્કર શાંત હતો.