આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જ્વાળામુખી:૨૯
 

બની ગયું હોય છે કે અવારનાવર indisposed અસ્વસ્થતાના કારણે શિક્ષણના રોજના ઠરાવેલા કલાકોને પણ તેઓ ગપાવી દે છે.

આજ શોભનાના એક પ્રોફેસર પણ અસ્વસ્થ બની ગયા એટલે છેલ્લા કલાકમાં શોભનાને બેસવાનું ન હતું. યુવાન વિદ્યાર્થીઓની નજર ખેંચતી વિદ્યાર્થીઓ કૉલેજની ઓસરીમાંથી પસાર થતી હતી. ઝીણી સિસોટી કોઈએ વગાડી: પરંતુ વેવલા વિદ્યાર્થીની તજવીજ નિરર્થક કરતી યુવતીઓમાંથી શોભનાએ બીજી તરફ જોયું. ભાસ્કર એક પ્રોફેસર સાથે પ્રોફેસરના કરતાં પણ વધારે છટાથી વાત કરતો ઊભેલો દેખાયો. બંનેની નજર મળી, પણ ભાસ્કરની નજરમાં ઓળખાણ ન હતું. અત્યંત સફાઈથી તેણે આંખ ફેરવી વાત ચાલુ રાખી. વિદ્યાર્થિનીઓ આગળ ચાલી ગઈ.

'કેટલો ઘમંડી છે ! જાણે ઓળખતો જ ન હોય !' વિનીએ કહ્યું.

'ઓળખે અને બોલાવે તોય આપણે વાંકું પાડીએ. પછી શું થાય ?' શોભનાએ કહ્યું.

'અને ટીકા કરનારનો ક્યાં તોટો હોય છે ?' રંભાએ કહ્યું.

'જાણે સ્ત્રી એટલે માણસ જ નહિ.' તારિકાએ કહ્યું.

હસતા હસતા વિદ્યાર્થીઓનું ટોળું સામું આવ્યું. બાજુ ઉપર જોઈ ચારે વિદ્યાર્થિનીઓ આગળ ચાલી ગઈ.

બહાર ભાસ્કરની કાર ઊભી હતી.

'પગે ચાલવા કરતાં ગાડીમાં બેસવું સારું, નહિ ?' તારિકા બોલી.

'રોજ કોણ તને બેસાડે ?' રંભાએ કહ્યું.

'રોજ બેસાડે એવું કોઈ શોધી કાઢવું જોઈએ.' વિનીએ હસતાં હસતાં કહ્યું.

'એ તો તું કોઈ પૈસાદારને પરણે ત્યારે.' તારિકાએ ઉત્તર આપ્યો.

'આપણે તૈયાર છીએ.' વિનીના આ સ્પષ્ટ એકરારે પ્રથમ તો સહુને હાસ્ય પ્રેર્યું. યુવતીઓ લગ્ન પ્રત્યે જેટલો અણગમો બતાવવા પ્રયત્ન કરે છે એટલો અણગમો તેમને હોતો જ નથી. સારો દેખાવ તેમને પણ ગમે છે, અને એ દેખાવ જોડે ભણતર હોય તો આકર્ષણનું વધારે કારણ મળે છે. દેખાવ અને ભણતર સાથે ધન હોય તો એ પુરુષ પ્રત્યે અલિપ્ત લાગતી યુવતીઓનું આકર્ષણ અસહ્ય થઈ પડે છે. એ પણ હૃદય અને બુદ્ધિને ગોઠે

એવી વ્યવસ્થા ગણી શકાય; પરંતુ દેખાવમાં 'મેક અપ'[૧] અને ભણતરમાં


  1. *ટાપટીપ