આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮: શોભના
 

કમરને લચકાવતી, કલામય હસ્તમુદ્રાઓથી પૂજારણનો અભિનય સાર્થક કરતી, રે અને લોલના લલકારમાં કલોલતી ગુર્જરલલનાના ગરબા વચ્ચે સ્વરાજ્ય સલામત બનતું જાય છે, અને જરૂર પડ્યે હિટલર-મુસોલિનીના શસ્ત્રસજજ સૈન્ય સામે આ પૂજારણોનો ગરબાવ્યૂહ મોરચા તરીકે રચી તેની પાછળ યુવકવર્ગથી સલામત રહી શકાય એમ છે.

સહુ કોઈ આ ગરબાના આકર્ષક લાલિત્યમાં મુગ્ધ બની બેઠાં હતાં. મહાસભાવાદી મિત્રમંડળ વિજયરાયની આસપાસ ખાદીનાં રૂપાળાં, ઘાટદાર વસ્ત્રો પહેરી બેઠું હતું. તેને આ ગુરબાઓમાં પ્રાચીન કલાગૌરવનો પુનરુદ્ધાર દેખાયો. પ્રાચીનતાના ભારને ફેંકી દેવા તૈયાર બનેલા ક્રાન્તિકારી સમાજવાદી યુવકોને આ ગરબામાં સમૂહકલાની નવીન જાગૃતિ થતી દેખાઈ.

'ગરબાને રાષ્ટ્રીય કલા તરીકે સ્વીકારવો જોઈએ.' એક યુવકે ગરબો પૂરો થતાં કહ્યું.

'એટલે તારે આખા હિંદુસ્તાનને તાળીઓ પાડતો કરી મૂકવો છે ! રાષ્ટ્ર તો લાવ, પછી રાષ્ટ્રકલા !' એક ખૂણામાં યુવકોની બાજુએ બેઠેલા પરાશરે કહ્યું.

'તારું માનસ પ્રત્યાઘાતી બનતું જાય છે. ખાદી પહેરીને તેં દેહ અને મગજ બરછટ કરી નાખ્યાં છે.' યુવકે જવાબ આપ્યો.

'તમને ગરબા નથી ગમતા ?' અર્ધ ખુલ્લી છાતી અને પૂરું ખુલ્લું માથું કરી થાકને બહાને યુવકમિત્રો વચ્ચે બેઠેલી રંભાએ પરાશરને પૂછ્યું.

'ના.' ટૂંકો જવાબ પરાશરે આપ્યો.

'કારણ ?' રંભાએ વાત ચાલુ રાખી.

'અમારા ચહેરા સામે જુઓ છો ખરાં ?' પરાશરે પૂછ્યું.

'એમને પણ આપણા ચહેરા ગમે છે; વખાણ વ્યક્ત થતાં હોય તો વધારે.' એક ચશ્માંધારી યુવકે કહ્યું.

'અમે અમારા શોખ ખાતર ગરબા ગાઈએ છીએ; તમારે માટે નહિ.' રંભાએ પુરુષથી ન હારવાનો નિશ્ચય કર્યો જણાતો હતો.

'હં.' તિરસ્કારનો આછો દેખાવ કરી પરાશરે બીજી પાસ જોયું. પરાશરના હાથને ટપલી મારી રંભાએ કહ્યું.

'તમે કારણ તો કહ્યું નહિ.'

'મેં કારણ આપી દીધું છે. મારું ચાલે તો હું તમને ગરબા ગવરાવવાને બદલે સૂર્ય-નમસ્કાર કરાવું.' પરાશરે કહ્યું.